World

ટ્રમ્પ પીછેહઠના મૂડમાં? ઈરાન યુદ્ધ અંગે કહ્યું “આપણે ઉદ્દેશ્યની નજીક પહોંચી રહ્યા છીએ અને યુદ્ધની તીવ્રતા ઘટાડવા વિચારી રહ્યા છીએ”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા મધ્ય પૂર્વમાં મોટા પાયે ચાલી રહેલા પોતાના મિલીટરી ઓપરેશન્સ ઘટાડવાનું વિચારી રહ્યું છે, કારણ કે અમેરિકા ઓપરેશન્સ પાછળના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીને ‘ઘટાડવા (winding down) અંગે વિચારી રહ્યા છે.

ટ્રમ્પે Truth Social પર પોસ્ટ કર્યું હતું: ‘અમે અમારા ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. અમે મધ્ય પૂર્વમાં અમારા મહાન સૈન્ય પ્રયાસોને ઘટાડવાનું વિચારી રહ્યા છીએ.’

૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધના ત્રણ અઠવાડિયા વીતી ચૂક્યા છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે X પર જણાવ્યું કે રાષ્ટ્રપતિ અને પેન્ટાગને અંદાજ કર્યો હતો કે આ મિશનને પૂર્ણ કરવામાં આશરે ૪-૬ અઠવાડિયા લાગશે. “આવતીકાલે ત્રીજું અઠવાડિયું પૂર્ણ થશે — અને અમેરિકન સશસ્ત્ર દળો અદભૂત કામગીરી કરી રહ્યા છે. દિવસેને દિવસે ઈરાની શાસનને નબળું થઇ રહ્યું છે અને અમેરિકા તેમજ અમારા મિત્ર દેશોને ધમકી આપવાની તેમની ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી રહી છે.’


તેલ સંકટ અને પગલાં:
વૈશ્વિક તેલ પુરવઠાના સંકટને રોકવા માટે અમેરિકાએ ઈરાની તેલની નિકાસ પરના પ્રતિબંધોને અસ્થાયી રાહત આપી છે. યુએસ ટ્રેઝરીએ જણાવ્યું કે ૨૦ માર્ચ પહેલાં જહાજોમાં લોડ કરાયેલા ઈરાની ક્રૂડ ઓઈલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની ડિલિવરી અને વેચાણ માટે અસ્થાયી મંજૂરી આપવામાં આવી છે, જે ૧૯ એપ્રિલ સુધી ચાલુ રહેશે.  આનાથી લગભગ ૧૪૦ મિલિયન બેરલ તેલ વૈશ્વિક બજારમાં આવશે, જેથી સપ્લાયના તાત્કાલિક દબાણમાં રાહત મળશે.


ટ્રમ્પે કહ્યું, ‘આપણે જીતી ગયા!’

ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ઇસ્લામિક રિપબ્લિક સાથે યુદ્ધવિરામ ઇચ્છતા નથી. તેમણે પત્રકારોને કહ્યું કે ‘મને લાગે છે કે આપણે જીતી ગયા છીએ, હું યુદ્ધવિરામ કરવા માંગતો નથી. તમે જાણો છો કે જ્યારે બીજી બાજુથી શાબ્દિક હુમલાઓ ચાલુ હોય ત્યારે તમે યુદ્ધવિરામ નથી કરતા.’

આ નિમિત્તે ટ્રમ્પે નાટોને પણ આડે હાથે લીધું હતું. અને નાટો માટે ‘કાયર’ જેવો શબ્દ વાપર્યો હતો. તેમણે ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટનું રક્ષણ હવે યુએસ સિવાયના અન્ય દેશોએ કરવું પડશે. જ્યાં સુધી ઈરાનનો ખતરો ચાલુ છે, ત્યાં સુધી અમે આ કામમાં બીજા દેશોને મદદ કરવા તૈયાર છીએ.

Most Popular

To Top