Vadodara

દાનના નામે ઠગાઈ : વૃદ્ધાની સોનાની બંગડીઓ લઈને બે ગઠિયા ફરાર

વડોદરામાં 65 વર્ષીય મહિલાને રૂ.2.85 લાખની બંગડીઓ ઉતરાવી થેલામાં મુકાવી, વાતોમાં વ્યસ્ત રાખી વૃદ્ધાની નજર ચૂકવી બે ઠગે ખેલ પાડ્યો

વડોદરા તારીખ 20

વડોદરા શહેરમાં ઠગાઈના બનાવો દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે દાન આપવાના નામે એક વૃદ્ધા સાથે છેતરપિંડી થઈ છે. સમીયાલા ગામે રહેતા 65 વર્ષીય વૃધ્ધાને બે ગઠિયાઓએ વાતોમાં ભોળવી તેમની પાસેથી અંદાજે રૂ.2.85 લાખની કિંમતની સોનાની બંગડીઓ લઈ રફુચક્કર થઈ ગયા હતા. વૃદ્ધાએ આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા જિલ્લાના સોમીયાલા ગામે રહેતા ધનુબેન રાઇસિંગભાઇ ઓડ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગુરુવારના બપોરના સમયે વૃધ્ધા તેમના જમાઈની એક્ટિવા પર મંગળ બજાર પદમાવતી શોપિંગ સેન્ટર ખાતે ઘરગથ્થું સામાન લેવા ગયા હતા. જમાઈએ તેમને ત્યાં ઉતારી દીધા બાદ ધનુબેન ખરીદી કરવા માટે ગયા હતાં ખરીદી કરીને તેઓ પરત ફર્યા હતા અને લહેરીપુરા ગેટ નજીક ચોકમાં ઊભા હતા ત્યારે બે શખ્સ તેમની પાસે આવ્યા હતાં તેઓએ પોતે દાન આપવા માટે આવ્યા છે તેમ કહી મીઠી વાતો કરતા વૃદ્ધાને તેમના પર વિશ્વાસ આવી આવી ગયો હતો. બંને ગઠિયાઓ વૃદ્ધાને એચડીએફસી બેંકની બાજુમાં સીડી પાસે બેસાડ્યા હતા. ત્યાં એક ગઠિયાએ તમારા હાથમાં પહેરેલી સોનાની બંગડી ઉતારી આપો દાન આપનારા લોકો ચકાસણી કરશે અને જો કિંમતી વસ્તુ હશે તો દાન નહીં આપે. જેથી પહેરેલી સોનાની બંગડીઓ કાઢી નાખવા કહ્યું હતું. વૃધ્ધા એ તેમની વાતોમાં આવીને બંગડીઓ કાઢી પોતાના નાના પર્સમાં મૂકી અને તે પર્સ ખરીદીના થેલામાં મૂકી દીધો હતો.
આ દરમિયાન બંને ઠગોએ વાતોમાં ભોળવી વૃધ્ધાની નજર ચૂકવી થેલોમાંથી રૂપિયા 2.85 લાખની સોનાની બંગડીઓ લઈને ફરાર થઈ ગયા હતા. થેલામાંથી વૃદ્ધાને બંગડીઓ નહીં મળતા તેમણે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે બંને ઠગ ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top