Sankheda

સંખેડા પાસે ગૌશાળામાં આગ: તોફાની વાતાવરણ વચ્ચે આગ પર કાબુ

ભારે પવન અને વીજળી વચ્ચે આગ ભભૂકી, ગામલોકોએ તાત્કાલિક જાણ કરી
APMC ફાયર બ્રિગેડે બે ટેન્કર પાણીથી આગ કાબુમાં લીધી

પ્રતિનિધિ, સંખેડા |
સંખેડા તાલુકાના પીપળશટ નજીક આવેલી એક ગૌશાળામાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. તોફાની વાતાવરણ વચ્ચે લાગેલી આ આગે થોડીવાર માટે ભયનો માહોલ સર્જ્યો હતો, જોકે બહાદરપુર APMC ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રિના સમયે બની હતી, જ્યારે સંખેડા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વીજળીના ચમકારા અને ઝરમર વરસાદ વચ્ચે ગૌશાળામાં આગ ભભૂકી ઉઠી હતી. પવનના કારણે આગ વધુ ફેલાવાની શક્યતા ઊભી થઈ હતી.

હાડોદ અને પીપળશટ વચ્ચે આવેલી ગૌશાળામાં આગ લાગતા સંચાલકો તથા ગામલોકોએ બહાદરપુર APMC ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર દોડી આવી હતી.
ફાયર બ્રિગેડે ઝડપી કામગીરી હાથ ધરી બે ટેન્કર પાણીનો છંટકાવ કરીને આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળે છે.
આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટર– સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા

Most Popular

To Top