Gujarat

રાજ્યમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

અમદાવાદમાં ઝાડ પડ્યાં, વિસનગરમાં દુકાનનો શેડ ધરાશાયી, બનાસકાંઠામાં સોલારની પ્લેટો ઉડી

ગુજરાતમાં વધી રહેલી ઉનાળાની ગરમી વચ્ચે હવે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી કરી છે, જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે.

મેટેરોલોજિકલ વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદની સંભાવના વધુ વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વીજળી પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે, જે બાદ લોકો ને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ માવઠાના કારણે આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. દિવસ દરમિયાન ગરમીમાં રાહત મળશે અને વાતાવરણ થોડું ઠંડુ બનશે.

આજે બનાસકાંઠામાં સોલાર પ્લેટો ઉડી, ખેડૂતો પાયમાલ : સરહદી જિલ્લા બનાસકાંઠામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. અહીં પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે રહેણાંક મકાનો અને ખેતરોમાં લગાવવામાં આવેલી સોલાર પેનલ્સ કાગળની જેમ હવામાં ઉડી ગઈ હતી. ખેડૂતોના ઉભા પાકને પણ આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને ઉનાળુ પાક લેતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે,મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. અહીં માર્કેટ યાર્ડ અને મુખ્ય બજારમાં આવેલી દુકાનોના પતરાના શેડ ધરાશાયી થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વેપારીઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે.

તો બીજી તરફ અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં હાલના દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે, જેના કારણે લોકોને ઉકળાટમાંથી થોડો આરામ મળ્યો છે.જોકે આ રાહત થોડા સમય માટે જ રહેશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી ત્રણ દિવસ બાદ ફરીથી તાપમાનમાં વધારો થશે અને ઉનાળાની ગરમી ફરી તીવ્ર બનશે. એટલે કે હાલનું ઠંડકભર્યું વાતાવરણ તાત્કાલિક છે અને લાંબા ગાળે ગરમીમાં વધારો થવાનો છે.

ખેડૂતો માટે પણ આ હવામાન બદલાવ મહત્વનો છે. પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવાની જરૂર છે. ખુલ્લામાં રાખેલા અનાજ અને ખેતી ઉત્પાદનોને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચન કરવામાં આવ્યું છે. આ રીતે ગુજરાતમાં હાલ “ગરમી અને માવઠું”નું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જેમાં થોડા દિવસ માટે રાહત મળશે પરંતુ બાદમાં ફરી ઉનાળાની અસર તેજ બનવાની શક્યતા છે.

Most Popular

To Top