વિશ્વની મહાસત્તાઓ પહેલાં રશિયા- યુક્રેન, ઇઝરાયેલ- હમાસ અને હવે અમેરિકા ઈરાન ભયાનક યુદ્ધ લડી રહ્યાં છે. જ્યાં જુઓ ત્યાં વિનાશ દેખાઈ રહ્યો છે. સત્તાની ભૂખ, તેલના કૂવા પર કબજો મેળવવા માટે દુનિયાના બીજા દેશોને ભયાનક મુસીબતમાં મૂકી દીધા છે. જેનાથી દુનિયા ધબકે છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ જુદા જુદા પ્રકારનાં ઈંધણો વગેરેની ભયંકર અછત વર્તાય છે. જો યુદ્ધ વધારે સમય ચાલે તો વિશ્વમાં ભયંકર કટોકટી સર્જાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ પુટિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંત્રણા કરીને યુદ્ધ અટકાવે તો સારું, નહીં તો વિશ્વ 10 વર્ષ વિકાસમાં પાછળ ધકેલાઈ જશે. ભયંકર ભૂખમરો, ચોરી -લૂંટફાટ, બેકારી અને અરાજક્તાવાદ વિશ્વમાં ફેલાઈ જશે. ભારત વિશ્વ ફલક પર શાંતિદૂત તરીકેની છાપ ધરાવે છે. આ યુદ્ધ માત્ર ભારત જ અટકાવી શકે એમ છે. ગાંધી અને બુદ્ધના દેશે સમગ્ર વિશ્વને શાંતિ ,એકતા અને ભાઈચારાની ભાવના સમજાવવી પડશે.
આજે વિશ્વ બે ભાગોમાં વહેંચાયેલું છે, ઈસ્લામિક દેશો અને પશ્ચિમના વિકસિત દેશો. અહીંથી બદલાની ભાવના પેદા થાય તો વૈશ્વિક આતંકવાદ ધાર્મિક કટ્ટરતાના રંગે રંગાઈને બુદ્ધિશાળી યુવા ધન વિશ્વમાં હાહાકાર મચાવશે. વૈશ્વિક આતંકવાદનો અજગર ભરડો સમગ્ર દુનિયામાં અણુબોમ્બ, પરમાણુ બોમ્બ અને જૈવિક હથિયારો વડે વિનાશ સિવાય દુનિયાને કશું પણ નહીં આપે. યુદ્ધ લડતા સૈનિકની વેદનાને કોણ સાંભળે? માધવ રામાનુજની પંક્તિમાં કહું તો, એક ક્ષણ જો યુદ્ધને અટકાવી શકો તો, ટેન્ક પર માથું મૂકીને ઊંઘી લઉં. કેવો થાક્યો હશે બિચારો સૈનિક?
બીલીમોરા – ગિરીશકુમાર એફ. ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.