તાજેતરમાં દક્ષિણ ભારતીય અભિનેતા વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદન્નાના લગ્ન પ્રસંગમાં બે બાબતો હૃદયસ્પર્શી રહી. પ્રથમ તો, કરોડોની કમાણી અને વૈશ્વિક ખ્યાતિ હોવા છતાં આ જોડીએ સંપૂર્ણ ભારતીય પરંપરા અને સંસ્કારો મુજબ લગ્નવિધિ સંપન્ન કરી. આ બાબત નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાનો મજબૂત સંદેશ આપે છે. બીજી અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે, પોતાની ખુશીના અવસરને માત્ર અંગત ઉજવણી સુધી મર્યાદિત ન રાખતાં, તેમણે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું. વિજય દેવેરાકોંડાએ પોતાના વતનની 44 સરકારી શાળાઓના 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જે જાહેરાત કરી છે, તે તેમના સંવેદનશીલ વ્યક્તિત્વનો પરિચય આપે છે.
શિક્ષણ એ સમાજના ઉત્થાન માટેનો પાયો છે અને જ્યારે કોઈ સેલિબ્રિટી ગરીબ બાળકોના શિક્ષણની ચિંતા કરે છે, ત્યારે તે ખરા અર્થમાં ‘રોલ મોડલ’ સાબિત થાય છે. આપણા દેશમાં અનેક શ્રીમંતો અને ઉદ્યોગપતિઓ છે જેઓ લગ્ન પાછળ કરોડોનો ધુમાડો કરે છે. જો દરેક સક્ષમ વ્યક્તિ પોતાની ખુશીના પ્રસંગે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગનો વિચાર કરે, તો દેશમાંથી શૈક્ષણિક અને આર્થિક પછાતપણું દૂર થતાં વાર ન લાગે. ‘દેવરકોંડા ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા લેવાયેલું આ પગલું અન્ય ધનિકો માટે પણ દીવાદાંડી સમાન છે. આશા રાખીએ કે આમાંથી પ્રેરણા લઈને સમાજના અન્ય સક્ષમ લોકો પણ પોતાની ખુશીઓને લોકસેવા સાથે જોડતાં શીખશે.
સુરત – ચારુલતા અનાજવાળા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.