World

ઇન્સ્ટાગ્રામ વૈશ્વિક સ્તરે ડાઉન

હજારો યુઝર્સને મેસેજ મોકલવામાં અને એપ ચલાવવામાં મુશ્કેલી

વિશ્વભરમાં લોકપ્રિય ફોટો અને મેસેજિંગ પ્લેટફોર્મ Instagram આજે અચાનક ટેકનિકલ ખામીના કારણે ડાઉન થતાં લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મેસેજ મોકલવામાં અને ડાયરેક્ટ મેસેજ (DM) ઉપયોગ કરતી વખતે અનેક લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

વેબસાઈટ Downdetector પર મળતી માહિતી મુજબ 11 માર્ચના રોજ સવારે અંદાજે 7:40 વાગ્યાથી આ સમસ્યા શરૂ થઈ હતી. શરૂઆતના સમયમાં જ 10,000થી વધુ યુઝર્સે ઇન્સ્ટાગ્રામમાં ખામી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ઘણા લોકો માટે એપ ખુલતી નથી, જ્યારે કેટલાક યુઝર્સને મેસેજ મોકલવા અથવા રિપ્લાય આપવા દરમિયાન સતત એરર જોવા મળી છે.

Downdetector પર મળેલા રિપોર્ટ મુજબ લગભગ 71 ટકા યુઝર્સે એપ એક્સેસ કરવામાં મુશ્કેલી હોવાનું જણાવ્યું છે. જ્યારે 20 ટકા લોકોએ સર્વર સાથે કનેક્શન ન થવાની સમસ્યા જણાવી છે. બાકીના લગભગ 5 ટકા યુઝર્સે તેમના ઇન્સ્ટાગ્રામ ફીડ અથવા ટાઈમલાઈન અપડેટ ન થવાની ફરિયાદ કરી છે.

આ ખામીનો સૌથી વધુ અસર અમેરિકાના શહેરોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને Los Angeles, Phoenix, Chicago, Washington અને New York જેવા મોટા શહેરોમાં યુઝર્સ મોટી સંખ્યામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન લોકો પોતાની મુશ્કેલી વ્યક્ત કરવા માટે X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે “મારા DM કામ નથી કરતા, શું Instagram ડાઉન છે?” તો કેટલાકે મજાકિયા અંદાજમાં લખ્યું કે “Instagram લાંબા સમયથી ડાઉન છે, હવે તો મને એની આદત પડી ગઈ છે.”

ભારતમાં હાલ અંદાજે 250 જેટલા યુઝર્સ આ ખામીથી પ્રભાવિત હોવાનું જાણવા મળ્યું છે. જોકે Meta Platforms તરફથી હજી સુધી સત્તાવાર રીતે આ સર્વર સમસ્યા અંગે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારે સુધી યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો અને મીમ્સ શેર કરી રહ્યા છે, અને ઇન્સ્ટાગ્રામ ફરી સામાન્ય રીતે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

Most Popular

To Top