Gujarat

​ગુજરાત ATSની મોટી કાર્યવાહી – ૨૨ કિલો પ્રતિબંધિત ‘એટોમિડેટ’ ડ્રગ્સ સાથે વધુ બે આરોપીઓની ધરપકડ

ગાંધીનગર,

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વિદેશમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ ‘એટોમિડેટ’ (Etomidate) પાવડર એક્સપોર્ટ કરવાના કૌભાંડમાં મોટી સફળતા મેળવી છે. આ કેસમાં ATS એ વધુ ૨૨ કિલોગ્રામ એટોમિડેટ જપ્ત કરી બે વધુ આરોપીઓની ધરપકડ કરી છે.

એટોમિડેટ એ એક પ્રતિબંધિત નશીલો પદાર્થ છે, જેનો દુરુપયોગ નશા માટે કરવામાં આવતો હોય છે.

મુખ્ય વિગતો

  • ​જપ્ત કરેલ જથ્થો: ૨૨ કિલોગ્રામ એટોમિડેટ પાવડર.
  • ​ધરપકડ કરાયેલ નવા આરોપીઓ: (૧) ચેતન કનુભાઈ વાવડીયા અને (૨) ભૌતિક દામજીભાઈ પદમણી.
  • ​અગાઉ પકડાયેલ આરોપી: નિકુંજભાઈ હરેશભાઈ ગઢીયા (રહે. કતાર ગામ – સુરત).

​કેવી રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ ?

​એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ એટોમિડેટ પાવડરને ‘એલોવેરા પાવડર’ અને ‘ગીનોપોલ-૨૪ પાવડર’ જેવા ખોટા નામથી મિસલેબલીંગ કરતા હતા. તેઓ મુંબઈ એરપોર્ટથી થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર જેવા દેશોમાં ખોટા બિલ અને બનાવટી કસ્ટમ ક્લિયરન્સના આધારે આ નશાકારક પદાર્થ મોકલતા હતા.

​તપાસની કાર્યવાહી

​ATS દ્વારા ગત ૦૭/૦૩/૨૦૨૬ ના રોજ ગુનો નોંધી નિકુંજ ગઢીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ અને કંપનીની ઓફિસમાં તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે:

  • ​આરોપીઓએ મલેશિયા મોકલવા માટે ૦૬ પાર્સલ તૈયાર કર્યા હતા, જેનું કુલ વજન ૨૫.૫ કિલો હતું.
  • ​આ પૈકી ૨૨ કિલોગ્રામ એટોમિડેટ હોવાનું રમણ સ્પેક્ટ્રોગ્રાફ ડ્રગ ડિટેક્ટર કીટ દ્વારા સાબિત થયું છે.
  • ​આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top