ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ 13માંથી 8 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ, હવે માત્ર 5 બેઠકો પર જામશે ખરાખરીનો જંગ
વડોદરા: બરોડા ડેરીની આગામી 18 માર્ચના રોજ યોજાનારી પ્રતિષ્ઠિત ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી પત્રો ખેંચવાના અંતિમ દિવસે વધુ એક બેઠક બિનહરીફ જાહેર થતાં હવે કુલ 13 બેઠકોમાંથી 8 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આજે કરજણ બેઠક પર ભાજપના નેતા સતીશ નિશાળીયા સામેના પ્રતિસ્પર્ધીઓએ ફોર્મ પરત ખેંચતા તેમનો વિજય નિશ્ચિત બન્યો છે.
કરજણ બેઠક પર વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ડેરીના પૂર્વ ચેરમેન સતીશ નિશાળીયાને પક્ષ તરફથી મૌખિક મેન્ડેટ મળતા જ સમીકરણો બદલાયા હતા. તેમની સામે મેદાનમાં ઉતરેલા ભાજપના જ જયદીપસિંહ ચૌહાણ અને અન્ય ઉમેદવાર પ્રકાશ પટેલે આજે પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા હતા. આ સાથે જ સતીશ નિશાળીયા બિનહરીફ જાહેર થયા છે, જેનાથી નિશાળીયા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજે ફોર્મ ખેંચવાની અંતિમ મુદત હોવાથી, સાંજ સુધીમાં વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારી દ્વારા બાકી રહેલી બેઠકો પર કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે. રાજકીય વિશ્લેષકોના મતે, જે 5 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યાં ભાજપ પ્રેરિત પેનલો અને અપક્ષો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે.
– બાકીની 5 બેઠકો પર જંગ જામશે…
ડેરીના કુલ 13 ડિરેક્ટરોની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. હવે બાકી રહેલી 5 બેઠકો પર ચૂંટણીનું રસાકસીભર્યું ચિત્ર જોવા મળશે.
1.વડોદરા તાલુકો
2.ડભોઇ
3.તિલકવાડા
4.ડેસર
5.પાવીજેતપુર