કહે છેને હાથમાંથી કોઈ છીનવી જાય, પણ નસીબમાં હોય એને કોઈ પણ છીનવી નથી શકતું, આ વાતને સાબિત કરતો એક કિસ્સો સુરતના પુણા રોડ વિસ્તારમાં બન્યો છે. મળતી માહિતી મુજબ પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવારે થોડા દિવસ પહેલા ઘરે ધાર્મિક વિધિ અને પૂજાવિધિ કરી હતી. વિધિ પૂર્ણ થયા બાદ પૂજાની સામગ્રી અને ફૂલોને તિજોરી પાસે કબાટમાં રાખવામાં આવ્યા હતા. આજરોજ તારીખ 06-03-2026 ને શુક્રવાર બપોરે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રી એકત્ર કરી પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પુણા રોડ પર અમેઝિયા ટાવર નજીક આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી. જોકે ઘરે પરત આવ્યા પછી તિજોરી તપાસતા ખબર પડી કે તેમાં રાખેલી 2 લાખ રૂપિયાની રોકડ પણ ભૂલથી ફૂલો સાથે જ કેનાલમાં પધરાવાઈ ગઈ છે. જયારે આ વાતનું ભાન થયું ત્યારે આખો પરિવાર ચિંતામાં ડૂબી ગયો હતો. આટલી મોટી રકમ એ પણ પાણીમાં પધરાવાઈ ગઈ અને હવે એ મળશે કે નહીં એ અંગે પણ કંઈ કહેવાય નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
પરિવારે તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં આ અંગે માહિતી આપી મદદ માગી હતી. માહિતી મળતા જ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડુંભાલ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને પાણીમાં ડુબકી મારી ભારે જહેમત બાદ રકમ શોધી કાઢી અને પરિવારને પરત આપી હતી. ફાયર સબ ઓફિસર સુનિલ ચૌઘરીના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડુબકી મારી શોધખોળ શરૂ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને કામગીરી ચાલુ રાખી અને થોડા સમય બાદ 500 રૂપિયાની નોટના ચાર બંડલ મળી આવ્યા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા. પછી આ રકમ સુરક્ષિત રીતે લિંબા પરિવારને પરત સોંપવામાં આવી હતી. મુશ્કેલીના સમયમાં મદદ કરવા બદલ પરિવારે ફાયર બ્રિગેડની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી. પૈસા મળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.