પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન સામે ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુદ્ધના છઠ્ઠા દિવસે ફિનલેન્ડના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈપણ આંતરરાષ્ટ્રીય મુદ્દાનો ઉકેલ સૈન્ય સંઘર્ષથી આવી શકતો નથી. તેમણે જણાવ્યું કે “ભલે તે યુક્રેનનો મુદ્દો હોય કે પશ્ચિમ એશિયાનો સંઘર્ષ, કોઈપણ સમસ્યાનું સ્થાયી સમાધાન યુદ્ધથી શક્ય નથી.” PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને ફિનલેન્ડ બંને કાયદાના શાસન, સંવાદ અને રાજદ્વારી માર્ગમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે કહ્યું કે વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષોનો વહેલો અંત આવે અને શાંતિ સ્થાપિત થાય તે માટે કરવામાં આવતા દરેક પ્રયત્નોને ભારત સમર્થન આપતું રહેશે.
આ તરફ ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. છેલ્લા છ દિવસમાં આ સંઘર્ષમાં 1000થી વધુ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે. અમેરિકા અને ઈઝરાયલના દળોએ ઈરાની નૌસેનાને મોટો ઝટકો આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હિંદ મહાસાગરમાં ઈરાનનું યુદ્ધજહાજ ‘આઈઆરઆઈએસ ડેના’ સબમરીન હુમલામાં ડૂબાડવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. અમેરિકાએ ઈરાનના આકાશીય વિસ્તારમાં સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યાનો પણ દાવો કર્યો છે. આ વચ્ચે ઈરાનમાં રાજકીય સ્થિતિ પણ ઝડપથી બદલાઈ રહી છે. સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ અને અન્ય ટોચના નેતાઓના નિધન બાદ તેમના પુત્ર મૌજ્તબા ખામેનેઈને નવા ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના મુખ્યાલય અને રાષ્ટ્રપતિ કાર્યાલય પર સતત હુમલાઓ થઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધતી જાય છે.
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે આતંકવાદના દરેક સ્વરૂપને જડમૂળથી સમાપ્ત કરવાની ભારતની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હતી. ભારત અને ફિનલેન્ડ વચ્ચેના સંબંધો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ સહયોગ AI, 6G ટેલિકોમ, ક્લીન એનર્જી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા હાઇટેક ક્ષેત્રોમાં નવી ગતિ લાવશે.