India

બસ્તીમાં ભયાનક કાંડ: POCSO કેસના આરોપીએ સૂતી પીડિત સગીરા પર ગોળીબાર કર્યો

ગામમાં દહેશત,આરોપીએ 17 વર્ષની પીડિતાના ઘરમાં જ ઘૂસી ગોળી મારી દુષ્કર્મથી લઈને હત્યા સુધી: ફરાર આરોપીએ આખરે પીડિતાનું જીવન છીનવી લીધું

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં મંગળવારે વહેલી સવારે એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી હતી . દુષ્કર્મના કેસમાં વૉન્ટેડ રહેલો 22 વર્ષનો આરોપી ઘરમાં ઘૂસી ગયો અને 17 વર્ષની પીડિતાને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાવી છે, જ્યારે પોલીસ આરોપીની શોધખોળ માટે તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે.

પોલીસ મુજબ, મંગળવારે લગભગ રાત્રે 1 વાગ્યાના આસપાસ આરોપી યુવતીના ઘરના પાછળના દરવાજાથી અંદર પ્રવેશ્યો. તે સમયે યુવતી પોતાના ભાઈની બાજુમાં ઊંઘમાં હતી. આરોપીએ યુવતી પર સતત બે ગોળી ફાયર કરી. ગોળી વાગતા યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ અને થોડા સમયમાં જ તેનું મૃત્યુ થયું.આ ઘટનાએ પરિવારજનોને આઘાતમાં મૂકી દીધા છે.

ઘટના દરમિયાન આરોપીએ યુવતીના ભાઈને પણ મારપીટ કરીને ધમકાવ્યો હતો. યુવતીની માતા, જે ઘરની બહાર સૂતી હતી,ગોળીબારનો અવાજ સાંભળી અંદર દોડી આવી. માતાએ આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેના પર પણ ગોળી ચલાવી, પરંતુ ગોળી લાગી નહોતી અને તે બચી ગઈ. આ સમગ્ર ઘટનાએ આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી અને પીડિતાનું પરિવાર એક જ ગામના રહેવાસી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આરોપીએ યુવતીને નશીલો પદાર્થ આપી તેના પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આરોપીએ ઘટનાની તસવીરો અને વિડિઓ બનાવીને તેને જાહેર કરવાની ધમકી આપી હતી. 16 ડિસેમ્બરે તેણે કેટલીક સામગ્રી સોશિયલ મીડિયા પર મૂકતા મામલો વધુ ગંભીર બન્યો હતો.

પરિવારે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે 17 ડિસેમ્બરે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારથી આરોપી સતત ફરાર હતો અને પોલીસ તેની શોધમાં હતી. આ દરમિયાન મંગળવારે વહેલી સવારે આ ભયાનક ઘટના બની ગઈ.

પોલીસે જણાવ્યું કે યુવતીના પિતા પંજાબમાં નોકરી કરે છે, જ્યારે યુવતી પોતાની માતા અને ભાઈ સાથે ગામમાં રહેતી હતી. તે આગામી પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતી અને પરિવાર તેના ભવિષ્ય માટે આશાવાદી હતો. ઘટનાની જાણ થતા જ પોલીસની અનેક ટીમો ગામ અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપીને ઝડપવા માટે સઘન શોધ અભિયાન ચાલી રહ્યું છે અને જલ્દી જ તેને કાયદાના કટઘરામાં લાવવામાં આવશે.

Most Popular

To Top