મુવાલ ગામના દેવ પટેલ અને કૃપાલી રાઠોડનો અકસ્માતમાં દુઃખદ અંત
કારની ટક્કરથી ફંગોળાયેલું બાઇક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘુસ્યું
આણંદ :
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા ઉમેટા રોડ પર પુરપાટ ઝડપે જતી કારની ટક્કરે બાઇક સવાર યુવક-યુવતીના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડોદરાના પાદરા તાલુકાના મુવાલ ગામમાં રહેતા દેવ જગદીશભાઈ પટેલ (ઉં.વ.૨૧) અને કૃપાલી શૈલેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ.૧૮) આ અકસ્માતનો ભોગ બન્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, દેવ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને કૃપાલી ભાદરણ કોલેજમાં અભ્યાસ કરતી હતી. બંને તા. ૨ માર્ચના રોજ વહેલી સવારે આશરે સાત વાગ્યે ડાકોર દર્શન માટે બાઇક પર નીકળ્યા હતા. આંકલાવના ઉમેટા રોડ પર સદ્દગુરૂ હોટલ નજીક પુરપાટ ઝડપે પસાર થતી કારએ બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ફંગોળાઈને આગળ જઈ ટ્રેક્ટરની લાકડા ભરેલી ટ્રોલીના પાછળના ભાગે અથડાયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વડોદરા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે દેવને તપાસતા જ મૃત જાહેર કર્યો હતો, જ્યારે કૃપાલીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગે આંકલાવ પોલીસે કાર્તિક મહેન્દ્રભાઈ પટેલની ફરિયાદના આધારે કાર નં. GJ-13-CE-8272ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.