Gujarat

ગુજરાત STI નીતિ 2026–2031ની જાહેરાત – ₹1000 કરોડનું ‘સ્વદેશી અનુસંધાન ફંડ’ રચાશે

સેમિકનેક્ટ 2026માં મહાત્મા મંદિરમાં અનાવરણ • 2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ • GSDPનો 1% ખર્ચ STI ક્ષેત્રે

ગાંધીનગર,તા.1
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ 2026’ની સાથે – સાથે રાજ્ય સરકારે સાયન્સ, ટેક્નોલોજી અને ઇનોવેશન (STI) નીતિ 2026–2031 જાહેર કરી હતી. આ નવી નીતિ ગુજરાતને નવીનતા આધારિત અને ટેક્નોલોજીમાં અગ્રેસર રાજ્ય બનાવવા ઉપરાંત ગુજરાતને નવીનતા આધારિત અને વિશ્વસ્તરીય અર્થવ્યવસ્થા તરફ દોરી જતી ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત 2047’ તરફ
આ નીતિનો મુખ્ય હેતુ રાજ્યના સર્વાંગી વિકાસ, ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને મજબૂત બનાવવાનો છે. જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા ઉભી કરી ગુજરાતને ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનાવવાનું આ નીતિનું મુખ્ય વિઝન છે.

₹1000 કરોડનો ‘સ્વદેશી અનુસંધાન ફંડ’
નવી નીતિ હેઠળ ₹1000 કરોડના “સ્વદેશી અનુસંધાન ફંડ”ની રચના કરવામાં આવશે. આ ફંડ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમિકન્ડક્ટર, ક્વાન્ટમ ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી, ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેક્નોલોજી, ઇમર્સિવ ટેક્નોલોજી અને અંતરિક્ષ જેવા અગ્રણી ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન મળશે. દર વર્ષે 100થી વધુ ગુણવત્તાસભર સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવામાં આવશે.

GRRICO અને R&D હબ્સ
રાજ્યમાં ગુજરાત રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર (GRRICO) ઉભું કરાશે. શરૂઆત ગાંધીનગર-અમદાવાદ વિસ્તારમાંથી થશે અને પછી વડોદરા-સુરત તથા રાજકોટ-ભાવનગર-જૂનાગઢ-જામનગર સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. અદ્યતન લેબ, ટેસ્ટિંગ સુવિધા અને ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા R&D હબ્સ સ્થાપિત કરાશે.

1 લાખ સંશોધકો તૈયાર કરવાનો લક્ષ્ય
2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. દર વર્ષે 250 JRF/SRF/PDF ફેલોશિપ આપવામાં આવશે. “વુમન ઇન ઇનોવેશન” ફેલોશિપ, એકીકૃત ગુજરાત R&D પોર્ટલ અને રાજ્યવ્યાપી STEM પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહિત કરાશે.

STEM અને વિજ્ઞાન જાગૃતિ
વિજ્ઞાન પ્રત્યે રસ વધારવા STEM લર્નિંગ સેન્ટર્સનો વિસ્તાર કરવામાં આવશે. Science City Ahmedabad અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્રોને વધુ સશક્ત બનાવાશે. મોબાઇલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ દ્વારા દૂરદરાજના ગામડાં સુધી વિજ્ઞાન પહોંચાડાશે.

બૌદ્ધિક સંપત્તિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા
રાજ્યમાં 200થી વધુ બૌદ્ધિક સંપત્તિ સુવિધા કેન્દ્રો સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દર વર્ષે 1000થી વધુ IP નોંધણીઓ અને ઓછામાં ઓછા 500 પેટન્ટ નોંધાવવાનો ટાર્ગેટ છે. આથી ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે સહયોગ મજબૂત બનશે.

STI ખર્ચમાં વધારો
2030 સુધી STI ક્ષેત્રે ખર્ચને GSDPના 1% સુધી વધારવાનો સંકલ્પ છે. વિવિધ વિભાગોમાં 1% R&D ફાળવણી ફરજિયાત કરવામાં આવશે અને CSR મારફતે પણ સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેકો અપાશે.વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ નોડલ વિભાગ તરીકે આ નીતિ અમલમાં મૂકશે, જ્યારે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) અમલી એજન્સી રહેશે.

Most Popular

To Top