
કાલોલ, તા. ૨૮/૦૨/૨૦૨૬
પંચમહાલ જિલ્લાના મહત્વના ગણાતા કાલોલ બસ સ્ટેશનમાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીને કાબૂમાં લેવા સીસીટીવી અનિવાર્ય સાધન ગણાય છે, ત્યારે અહીં કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.
બસ સ્ટેશનના પ્રવેશદ્વાર અને વિવિધ પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલા કેમેરા કાર્યરત ન હોવાથી ખિસ્સાકાતરુઓ અને અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં એસ.ટી. નિગમના સત્તાધીશો દ્વારા કેમેરાની મરામત અંગે યોગ્ય પગલાં લેવાયા નથી એવી ફરિયાદો ઉઠી રહી છે.
રાત્રિના સમયે બસની રાહ જોતા મુસાફરો—ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીઓ—પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. “જો કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે?” એવો સવાલ સ્થાનિક મુસાફરો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
સ્થાનિક જાગૃત નાગરિકોની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે અને તાત્કાલિક તમામ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે, જેથી મુસાફરો નિર્ભય બની મુસાફરી કરી શકે. વ્યસ્ત બસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવી તંત્ર માટે અતિ આવશ્યક બની છે