દબાણ શાખા અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી દબાણખોરોમાં ફફડાટ; ટ્રાફિક સમસ્યા હલ કરવા તંત્ર એક્શન મોડમાં




વડોદરા: શહેરના અત્યંત ગીચ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી નિરાકરણ માટે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. માંડવી, પાણીગેટ અને ગેંડીગેટ રોડ પર સવારથી જ હાથ ધરાયેલી આ કડક કાર્યવાહીને પગલે દબાણખોરોમાં ભારે ફફડાટ મચી ગયો હતો.
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સાંજે 5:30 થી 7:30 દરમિયાન આ વિસ્તારમાં રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે, જેનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સ્થાનિક રહીશોએ તંત્રની આ કામગીરીને આવકારી છે, પરંતુ સાથે જ એવી માંગ કરી છે કે દબાણો ફરી ન થાય તે માટે અહીં કાયમી ધોરણે સ્ટાફ તૈનાત કરવામાં આવે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ ઝુંબેશ ચાલુ રહેવાના સંકેતો મળી રહ્યા છે.
:- મુખ્ય કાર્યવાહીની વિગતો:
*સામાન જપ્તી: રસ્તા પર અડચણરૂપ પથારા અને લારીઓ સામે કાર્યવાહી કરી પાલિકાએ બે મોટા ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો.
*રિક્ષાઓ ડિટેન: જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત સમયે પ્રવેશતી અને નો-પાર્કિંગમાં ઉભી રહેતી 10 ઓટો રિક્ષાઓ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી હતી.
*સંયુક્ત ટીમ: આ કામગીરીમાં પાલિકાની ટીમ સાથે સિટી પોલીસ, વાડી પોલીસ અને ટ્રાફિક વિભાગના (ઝોન 3-4) જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.