Gujarat

રૂ. 4,08,053 કરોડનું બજેટ ‘વિકસિત ગુજરાત @ 2047’નો મજબૂત પાયો – જીતુ વાઘાણી

ગાંધીનગર,તા.26
ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27ના રૂ. 4,08,053 કરોડના અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તેને ‘વિકસિત ગુજરાત @ 2047’નો મજબૂત પાયો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ બજેટ સાડા છ કરોડ ગુજરાતીઓના સપનાઓને સાકાર કરતો જીવંત દસ્તાવેજ છે. વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2001-02માં રાજ્યનું બજેટ રૂ. 36,000 કરોડ હતું, જે આજે 1100 ટકાના વધારા સાથે રૂ. 4,08,053 કરોડ થયું છે. રાજ્યની માથાદીઠ આવક રૂ. 19,713થી વધીને રૂ. 3,01,000 પહોંચી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60 ટકા વધુ છે. દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે.

નાણાકીય શિસ્તમાં અવ્વલ
વાઘાણીએ નીતિ આયોગના ‘ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ-2025’નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગુજરાત ‘Achiever’ કેટેગરીમાં છે, જ્યારે પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળ ‘Aspirational’ શ્રેણીમાં છે.ગુજરાતનું Debt-to-GSDP રેશિયો 18.2 ટકા છે, જે કાયદાકીય મર્યાદા 27 ટકા કરતા ઘણું નીચું છે. તેની સામે પંજાબમાં 47 ટકા અને હિમાચલ પ્રદેશમાં 45 ટકા છે. NCAERના અહેવાલ મુજબ છેલ્લા 10 વર્ષમાં દેવાના રેશિયોમાં ઘટાડો કરવામાં ગુજરાત દેશમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લેવાતું દેવું ‘ઉત્પાદક રોકાણ’ છે. હાઈવે, બ્રિજ, નર્મદા ડેમ અને હોસ્પિટલો જેવી સુવિધાઓ માટે મૂડીરોકાણ જરૂરી હોવાનું જણાવ્યું.\

વિપક્ષ પર પ્રહાર
વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે તેમના શાસનમાં અંદાજપત્રો માત્ર આંકડાઓની માયાજાળ હતા. તેમણે 26/11 મુંબઈ હુમલા અને સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન ન આપવાના મુદ્દે પણ વિપક્ષની ટીકા કરી. નર્મદા યોજનાને વર્ષો સુધી લટકાવવાના કારણે પ્રોજેક્ટ ખર્ચ રૂ. 6,000 કરોડથી વધીને રૂ. 56,286 કરોડ થયો હોવાનો દાવો કર્યો હતો.

સામાજિક અને વિકાસલક્ષી ફાળવણી
સામાજિક ન્યાય વિભાગ માટે રૂ. 7,086 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. 25,403 કરોડ તથા માર્ગ-મકાન વિભાગ માટે રૂ. 29,709 કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રધાનમંત્રી જન ધન યોજના અને આયુષ્માન ભારત યોજના જેવી યોજનાઓ દ્વારા ગરીબોનું આર્થિક અને આરોગ્ય સુરક્ષણ મજબૂત બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે અને ચાલુ રવિ સીઝનમાં 44 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર થયું છે. સેમિકન્ડક્ટર, આઈટી, બાયોટેક અને રિન્યુએબલ એનર્જી જેવી પોલિસીઓથી ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અંતમાં વાઘાણીએ જણાવ્યું હતું કે આ બજેટ હવામાં બનાવેલો દસ્તાવેજ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે સુવર્ણ ભવિષ્યનો લેખિત સંકલ્પ છે. તેમણે મુખ્યમંત્રી, નાણાંમંત્રી સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવી બજેટને સંપૂર્ણ સમર્થન આપ્યું.

Most Popular

To Top