હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં કાયદો-સુવ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્રે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ રહે અને નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે હેતુસર કેટલાક કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેર કરાયેલા આ આદેશ મુજબ જાહેર જગ્યાએ રાહદારીઓ, મકાન, મિલ્કત અથવા વાહનો પર કાદવ, કિચડ, રંગ, સિન્થેટિક રંગ કે રંગ મિશ્રિત પાણી ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તે ઉપરાંત હોળી-ધૂળેટીના બહાને જબરદસ્તી ઉઘરાણી કરવી, જાહેર રસ્તાઓ પર વાહનો રોકી પૈસા માંગવા અથવા લોકોમાં ભય-અશાંતિ ફેલાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવી કાયદેસર ગુનો ગણાશે. આ જાહેરનામું તા. 02 માર્ચ 2026થી 05 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તહેવારો આનંદ અને સૌહાર્દથી ઉજવે અને કાયદાનું પાલન કરીને શાંતિ જાળવે.