પ્રતિનિધિ ગોધરા તા.25
પંચમહાલ જિલ્લાની ખેતીપ્રધાન અર્થવ્યવસ્થાના મહત્વના સ્તંભ સમાન અગ્રણી સહકારી સંસ્થાઓમાં ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણીઓ સંપૂર્ણ શાંતિ અને સુવ્યવસ્થા સાથે યોજાઈ હતી જેમાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ધી પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, ગોધરાના ચેરમેન તરીકે ખુમાનસિંહ ચૌહાણ અને વાઈસ ચેરમેન તરીકે અશોકભાઈ પટેલની વરણી થઈ છે. તેવી જ રીતે, ધી કૃષ્ણ કો.ઓ. કોટન સેલ જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી લિમિટેડમાં ચેરમેન તરીકે કિરીટસિંહ ઠાકોર તથા વાઈસ ચેરમેન તરીકે હરિશ્ચંદ્ર રાઠોડ ચૂંટાઈ આવ્યા છે.
જિલ્લાના ખેડૂતોને ખાતર, બીજ, દવા તથા કપાસની ખરીદ-વેચાણ અને પ્રોસેસિંગની પાયાની સેવાઓ પૂરી પાડતી આ સંસ્થાઓમાં નવા નેતૃત્વના આગમનથી સહકારી ક્ષેત્રમાં નવી ઉર્જા અને નવો જુસ્સો જોવા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે એ.પી.એમ.સી. ગોધરાના ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી તથા સમગ્ર કમિટી સદસ્યોએ નવનિયુક્ત હોદ્દેદારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. રાઉલજીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અનુભવી અને સમર્પિત સહકારી કાર્યકર્તાઓના નેતૃત્વ હેઠળ આ સંસ્થાઓનો અવિરત વિકાસ થશે અને ખેડૂતોને વધુ સારી, સમયસર તથા પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થશે. આ બિનહરીફ વરણીને પગલે પંચમહાલ જિલ્લાના તમામ સહકારી કાર્યકર્તાઓ અને ખેડૂત સભ્યોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.