લક્ષ્ય તમારું, સાથ અમારો, વડોદરાના વિદ્યાર્થીઓ માટે યુવા સામાજિક કાર્યકર દ્વારા એક ઉમદા પહેલ
(પ્રતિનિધિ), વડોદરા. તા.24
આગામી 26 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના વીઆઇપી રોડ, કારેલીબાગ વિસ્તારમાં રહેતા યુવા સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મહીસુરી દ્વારા એક અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને 12ના જરૂરિયાતમંદ પરિવાર જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા વિધાર્થીઓ માટે લેવાં અને મૂકવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. સેવા એ જ પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતા વડોદરાના યુવા સામાજિક કાર્યકર છેલ્લા 5 વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા એવા વિદ્યાર્થીઓ, જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને પરીક્ષા કેન્દ્ર સુધી જવા-આવવા માટે વાહનની સુવિધા નથી, તેમને શૈલેષભાઈ અને તેમની ટીમ તદ્દન નિઃશુલ્ક (Free) માં લેવા-મૂકવાની સેવા પૂરી પાડે છે. કોરોના કાળની કપરી પરિસ્થિતિ બાદ, 2022માં એકલા હાથે શરૂ કરેલી આ સફરમાં આજે વડોદરાના સેવાસી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ તડવી પણ આ સેવામાં નિઃસ્વાર્થ ભાવે શૈલેષભાઈ સાથે જોડાયા છે. વડોદરાની હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશન, સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ પણ આ સેવામાં નિઃસ્વાર્થ ભાવે શૈલેષભાઈ સાથે જોડાયા છે.
- વિદ્યાર્થી માત્ર ભણવામાં ધ્યાન આપે, પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવાની ચિંતા અમારી. કોઈપણ તેજસ્વી વિદ્યાર્થી સાધનોના અભાવે પરીક્ષા આપવાથી વંચિત ન રહી જાય અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તેવી મારી પ્રાથમિકતા. સત્તત પાંચમા વર્ષે પણ આ સેવા વડોદરાના વિદ્યાર્થીઓ માટે કાર્યરત છે. – શૈલેષ રજનીકાંત મહીસુરી
વડોદરાના સૌ નગરજનોને નમ્ર વિનંતી, જો તમારી આસપાસ કોઈ એવા વિધાર્થીઓ હોય જેને આ સેવાની જરૂર હોય, તો તેમનો સંપર્ક કરાવો. તમારો એક નાનકડો શેર કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય સુધારી શકે છે. આ મેસેજ માત્ર વાંચશો નહીં, પણ તમારા ગ્રુપમાં Share કરજો. કદાચ તમારા એક શેરથી કોઈ ગરીબ મા-બાપના સંતાનની કારકિર્દી બચી શકે છે. ચાલો, આપણે સૌ સાથે મળીને આ સેવાયજ્ઞને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીએ..!
- આ નિઃશુલ્ક સેવા નો લાભ લેવા માટે સંપર્ક કરો – શૈલેષ રજનીકાંત મહીસુરી – 9825626207
- ખાસ નોંધ :- આ નિઃશુલ્ક સેવા ફક્ત જરૂરિયાતમંદ વિધાર્થીઓ જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેઓએ જ સંપર્ક કરવો…