વડોદરાના ચાર દરવાજામાં ભાજપના વોર્ડ મહામંત્રી અને ટ્રાફિક પોલીસ વચ્ચે ગરમાગરમી; પોલીસની ‘દાદાગીરી’ અને રિક્ષાચાલકો પ્રત્યેની ‘ઉદારતા’ સામે ભાજપ સંગઠન લાલચોળ
વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક નિયમન મુદ્દે પોલીસ અને ભાજપના સંગઠન વચ્ચે ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. વોર્ડ નં. 14ના ભાજપના મહામંત્રીના વાહનને ઈ-મેમો ફટકારવા જેવી સામાન્ય બાબતથી શરૂ થયેલો વિવાદ હવે ‘હપ્તાખોરી’ના આક્ષેપો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધીની રજૂઆતોમાં પરિણમ્યો છે. આગામી એક સપ્તાહ સુધી ભાજપના કાર્યકરો માંડવી અને પાણીગેટ વિસ્તારમાં હાજર રહી પોલીસની કામગીરીનું ‘નિરીક્ષણ’ કરશે તેવા એલાને તંત્રમાં દોડધામ મચાવી દીધી છે.
ઘટનાની વિગત એવી છે કે, વોર્ડ નં. 14ના મહામંત્રી પ્રતીક શાહ ચાર દરવાજા વિસ્તારની સાંકડી ગલીમાં રહે છે, જ્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેમણે પોતાનું વાહન મુખ્ય માર્ગ પર પાર્ક કર્યું હતું. ટ્રાફિક પોલીસે નિયમ મુજબ તેનો ફોટો પાડી દંડની કાર્યવાહી કરી હતી. આ બાબતે સ્થાનિક કોર્પોરેટર સચિન પાટડીયાએ સ્થળ પર હાજર પી.આઈ. સમક્ષ રજૂઆત કરી હતી કે, સ્થાનિક રહીશો પાસે પાર્કિંગની જગ્યા ન હોવાથી તેઓ મજબૂરીમાં માર્ગ પર વાહન મૂકે છે, તો તેમની સામે કાર્યવાહી કેમ?
આ રજૂઆત દરમિયાન પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ અને અન્ય કાર્યકરો પણ ત્યાં દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે મુખ્ય માર્ગ પર વાહન પાર્ક કરવું એ નિયમનો ભંગ છે. આ ચર્ચા દરમિયાન મામલો ત્યારે બિચક્યો જ્યારે ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો કે, “પોલીસે પોતે જ માંડવી પાસે અડધો રસ્તો રોકી ચોકી બનાવી છે અને બેરીકેટિંગ કર્યું છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે. વધુમાં, સાંજે 5 થી 7 દરમિયાન રિક્ષાઓ પર પ્રતિબંધ હોવા છતાં પોલીસ હપ્તા લઈને તેમને પ્રવેશવા દે છે.” આ આક્ષેપથી ઉશ્કેરાયેલા PI એ ‘અમારે તમારી કોઈ જરૂર નથી’ તેમ કહેતા વિવાદ વકર્યો હતો.
સમગ્ર વિવાદની જાણ જોઈન્ટ CP લીના પાટીલને કરવામાં આવતા, તેમણે ટ્રાફિકના ઉચ્ચ અધિકારી તેજલ પટેલને મળવા સૂચના આપી હતી. ભાજપના પ્રતિનિધિ મંડળે તેજલ પટેલને મળીને પોલીસના વલણ અંગે ઉગ્ર ફરિયાદ કરી હતી. ત્યારબાદ મામલો થાળે પાડવા માટે પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી, સોમવાર અને મંગળવારે સાંજે 5 થી 7 દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં ફરતી અનેક રિક્ષાઓ ડીટેઈન કરી દંડ વસૂલ્યો હતો.
પોલીસની કામગીરીમાં બેધારી નીતિ હોવાના આક્ષેપ સાથે હવે ભાજપના કાર્યકરોએ નવો વ્યૂહ અપનાવ્યો છે. આગામી એક અઠવાડિયા સુધી ભાજપના કાર્યકરો માંડવી અને પાણીગેટ દરવાજા પાસે ઉભા રહેશે અને જોશે કે ટ્રાફિક પોલીસ ખરેખર નિષ્પક્ષ રીતે નિયમોનું પાલન કરાવે છે કે કેમ. સાથે જ, રસ્તામાં નડતરરૂપ પોલીસ ચોકી દૂર કરવા માટે પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.
– ”જ્યારે સામાન્ય નાગરિક એક મિનિટ માટે વાહન ઊભું રાખે તો પોલીસ તરત ફોટા પાડી દાદાગીરી કરે છે, પણ ચાર દરવાજામાં પ્રતિબંધ છતાં બેરોકટોક ફરતી રિક્ષાઓ સામે કેમ આંખ આડા કાન? પોલીસે માંડવી પાસે બેરિકેટ મૂકી મુખ્ય બસ સ્ટોપ જ દબાવી દીધું છે, જેનાથી ટ્રાફિક જામ થાય છે. જો નિયમ બધા માટે સમાન હોય, તો ટ્રાફિક જામ કરતી પોલીસની એ ચોકી અને બેરિકેટને પણ મેમો ફાટવો જોઈએ!”
— પ્રતીક શાહ
(વોર્ડ મહામંત્રી, ભાજપ – વડોદરા)