Vadodara

દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન



વડોદરા:
દેવનગર અને વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા હરેકૃષ્ણ નગર, વિવેકાનંદ વિસ્તાર, વડોદરા ખાતે વિશાળ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઘુમંતુ સંયોજક, વડોદરા વિભાગના ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
સંબોધન દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, ભારતના નાગરિક તરીકે આપણા પણ કેટલાક કર્તવ્યો છે અને આપણે પંચ પરિવર્તનના ધ્યેય સાથે કાર્ય કરવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેમણે સંઘની યાત્રા વિષે વાત કરતા જણાવ્યું હતું કે, 1925માં શરૂ થયેલો સંઘ ટૂંકા સમયગાળામાં અખંડ ભારતભરમાં વિસ્તરી ગયો હતો. સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારજીના વિચારોનું સ્મરણ કરતા તેમણે સંસ્કારોથી સમાજનું ઘડતર થતું હોવાનું જણાવ્યું હતું.
પર્યાવરણ અને સામાજિક સમરસતાનો સંદેશ
સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોના સંસ્કાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ, વાયુ પ્રદૂષણ ઘટાડવા વૈદિક હોળી દહન કરવું જોઈએ અને પ્લાસ્ટિકનો ત્યાગ કરવો જોઈએ. વધુ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણનું જતન કરવું અને અસ્પૃશ્યતા ત્યજી સામાજિક સમરસતા જાળવવી એ સર્વ હિંદુ નાગરિકનું કર્તવ્ય છે.
ગીતા અને દયા ભાવનો સંદેશ
આ સંમેલનમાં અતિથિ તરીકે પુ. શ્રી સેવા વિલાસ સ્વામી (ઈસ્કોન મંદિર, હરિનગર) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, નાના માં નાના જીવ પ્રત્યે પણ દયા ભાવ રાખવો જોઈએ. શ્રીમદ્ ભગવદ ગીતા માનવ જીવનમાં સંસ્કારોનું સિંચન કરે છે અને તેમણે સુંદર ઉદાહરણો દ્વારા ગીતા મહાત્મ્ય સમજાવ્યું હતું.
કાર્યક્રમના સંયોજક પ્રવીણભાઈ પ્રજાપતિએ હિંદુ સમાજમાં જાગૃતિ લાવી સામાજિક એકતા વધુ મજબૂત બને તે દિશામાં કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમોથી સંમેલન બન્યું ભાવસભર
હિંદુ સંમેલનની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વંદેમાતરમ ગીત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. એક બાળાએ ભારતનાટ્યમ નૃત્ય રજૂ કર્યું હતું, જ્યારે શ્રી કૃષ્ણ વિદ્યાલયની બાળાઓએ “માધવ કાના” નો ગરબો રજૂ કર્યો હતો. વિસ્તારની ત્રણ ભજન મંડળીઓ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. અંતે શ્રી કુંદકેશ્વર મહાદેવ ખાતે મહાઆરતીમાં સૌ જોડાયા હતા.
આ હિંદુ સંમેલનમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, સમાજના આગેવાનો તથા સંઘના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top