Garbada

ગરબાડા પોલીસ પર દબંગગીરીના ગંભીર આક્ષેપ, યુવકને ક્રિકેટ બેટથી માર્યો

વિપુલ મંડોડને ખોટી રીતે પકડી કસ્ટડીમાં ક્રિકેટ બેટ વડે માર માર્યાનો પત્નીનો આરોપ
ઈજાગ્રસ્ત પતિ હોસ્પિટલમાં દાખલ, ન્યાય માટે પરિજનોની એસપી સમક્ષ રજૂઆત

(પ્રતિનિધિ) વડોદરા, તા. 22
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ગરબાડા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓએ વિપુલ મંડોડ નામના વ્યક્તિને ખોટી રીતે ઘરેથી પકડી લઈ જઈ કસ્ટડીમાં બેટ વડે માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે પીડિતના પરિવારજનો દ્વારા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી દોષિત પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ગરબાડા તાલુકાના બારી ફળિયા, મુ. ગુલબાર ખાતે રહેતા વિપુલભાઈ મંડોડને ગત તા. 20 ફેબ્રુઆરીના રોજ સવારે ગરબાડા પોલીસના કર્મચારીઓ ખાનગી ફોર વ્હીલર વાહનમાં ઘરે આવી પકડી ગયા હતા. પત્ની કમીલાબેનના જણાવ્યા મુજબ, કોઈ ગુનાની સ્પષ્ટ માહિતી આપ્યા વગર વિપુલભાઈને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને આખો દિવસ ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા.
સાંજે કસ્ટડીમાંથી બહાર કાઢી અલગ રૂમમાં લઈ જઈ લાઈટો બંધ કરી પોલીસ કર્મચારીઓ જયદીપભાઈ, અતુલભાઈ તથા અન્ય એક કર્મચારી દ્વારા ક્રિકેટ બેટથી બંને પગમાં અંદાજે 40 જેટલા ફટકા મારવામાં આવ્યા હતા. માથાના વાળ ખેંચી દિવાલ સાથે માથું અથડાવવામાં આવ્યું હતું તેમજ પેટમાં લાતો મારી ગંભીર ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ છે. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ પરિવારજનોનો આરોપ છે.
બીજા દિવસે જામીન બાદ વિપુલભાઈના બંને પગોમાં ભારે સોજો અને માથામાં દુખાવો થતા તેમને દાહોદની સૈફી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એક્સ-રે અને સીટી સ્કેન કરાયા છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા ગરબાડા પોલીસ મથકના જયદીપ, અતુલ સહિત અન્ય એક પોલીસ કર્મચારી સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ છે.
: પોલીસનો પક્ષ
“ઈજાગ્રસ્તે કરેલા આક્ષેપો તદ્દન ખોટા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પોલીસે માત્ર અટકાયતી પગલા લીધા છે. કોઈ મારામારી થઈ નથી. જવાબ લખાવવા માટે તેને બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે હાજર થયો નથી. એલીગેશન કરીને હોસ્પિટલ પહોંચ્યો છે. ડોક્ટર સાથે પણ વાત થઈ છે, એવું કશું થયું નથી.”
— મનોજ સ્વામી, ડીવાયએસપી, દાહોદ

Most Popular

To Top