સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલી સ્ટાર કોલોનીમાં આજે સવારના સમયે એક દુઃખદ ઘટના સામે આવી છે.અહીં વસવાટ કરતા આશરે ૩૫ વર્ષીય સુજીત કુમાર નામના યુવકે પોતાના રહેઠાણમાં જીવન અંત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે,પોલીસ ચોપડે થી મળતી માહિતી મુજબ સુજીત કુમાર હજીરા વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને કેટલાક મિત્રો સાથે રૂમમાં રહેતા હતા. રોજની જેમ તેમના મિત્રો કામ અર્થે કંપનીમાં ગયા હતા. તે દરમિયાન સુજીત કુમારે એકલતા દરમિયાન આ ગંભીર પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મિત્રો જ્યારે કામ પરથી પરત ફર્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાને કારણે શંકા ઉઠી હતી. દરવાજો ખોલતા ઘટના સામે આવી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
હાલ તો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાથમિક રીતે પ્રેમ સંબંધને કારણે માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સાચું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે.આ ઘટના ફરી એકવાર સમાજને વિચારવા મજબૂર કરે છે કે જીવનમાં પડકારો આવતાં હોય છે, પરંતુ તેનો સામનો સંવાદ અને સહકારથી કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ માનસિક તણાવ કે નિરાશાનો સામનો કરી રહ્યો હોય, તો પરિવાર, મિત્રો અથવા વિશ્વસનીય વ્યક્તિ સાથે વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. જીવન અમૂલ્ય છે અને દરેક સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ ચોક્કસ હોય છે.