Editorial

ઇમરાનખાનની દ્રષ્ટીના મુદ્દે સમગ્ર ક્રિકેટ જગત વ્યાકુળ પણ પાકિસ્તાનના નેતાઓને કોઇ ફેર પડતો નથી

રાજકીય લડાઈ જ્યારે વ્યક્તિગત દુશ્મનીમાં બદલાય છે, ત્યારે લોકશાહીના પાયા નબળા પડે છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન છેલ્લા લાંબા સમયથી અદિયાલા જેલમાં બંધ છે. તાજેતરમાં તેમના સ્વાસ્થ્યને લઈને આવી રહેલા અહેવાલો અને તેમના પરિવારે વ્યક્ત કરેલી ચિંતાઓએ પાકિસ્તાની રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. ઇમરાન ખાનના વકીલો અને તેમના બહેનોએ વારંવાર આક્ષેપ કર્યો છે કે જેલમાં તેમને પૂરતી તબીબી સુવિધાઓ આપવામાં આવતી નથી. 70 વર્ષની વય વટાવી ચૂકેલા કોઈપણ વ્યક્તિ માટે જેલના કપરા સંજોગો સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશર, ખોરાકની ગુણવત્તા અને એકલવાયા જેલવાસને કારણે તેમની શારીરિક અને માનસિક સ્થિતિ પર જોખમ હોવાના દાવાઓ થઈ રહ્યા છે.

પાકિસ્તાન સરકારે જોકે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેમને તમામ જરૂરી સુવિધાઓ મળે છે. પરંતુ, જ્યારે કોઈ કદાવર નેતા જેલમાં હોય, ત્યારે પારદર્શિતા સૌથી મહત્વની હોય છે. સ્વતંત્ર ડૉક્ટરોની ટીમ દ્વારા તપાસની માંગણી વારંવાર નકારવામાં આવતા શંકાઓ વધુ ઘેરી બને છે.યુએન (UN) અને માનવ અધિકાર સંગઠનોએ પણ તેમના સ્વાસ્થ્ય અને જેલની પરિસ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા છે.

જો જેલ દરમિયાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને કોઈ ગંભીર નુકસાન પહોંચે, તો પાકિસ્તાનમાં પહેલેથી જ અસ્થિર ગણાતી શાંતિ જોખમાઈ શકે છે. તેમના લાખો સમર્થકો રસ્તા પર ઉતરી શકે છે, જે દેશની કથળતી આર્થિક સ્થિતિ માટે વધુ ઘાતક સાબિત થશે. ઇતિહાસ સાક્ષી છે કે જેલમાં નેતાઓની તબિયત સાથેની બેદરકારી દેશમાં મોટા જન-આક્રોશનું નિમિત્ત બને છે. ન્યાયિક પ્રક્રિયા તેની જગ્યાએ છે, પરંતુ કેદીના સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા એ રાજ્યની જવાબદારી છે. પાકિસ્તાન સરકારે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ‘મેડિકલ બુલેટિન’ જાહેર કરીને અથવા સ્વતંત્ર નિરીક્ષકોને મંજૂરી આપીને આ વિવાદનો અંત લાવવો જોઈએ.

લોકશાહીમાં વિરોધ પક્ષના નેતાનો અવાજ દબાવી શકાય છે, પરંતુ તેમની માનવીય ગરિમા અને સ્વાસ્થ્ય સાથેની રમત આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની છબી ખરડી શકે છે. જો કે, તાજેતરમાં જે અહેવાલ આવ્યા છે તે મુજબ ઇમરાનખાન તેમની એક આંખની 85 ટકા જેટલી દ્રષ્ટી ગુમાવી ચૂક્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ખરાબ સ્વાસ્થ્યને લઈને 5 દેશના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો છે. 73 વર્ષના ઈમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે.

આ પત્ર પર ભારતના બે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, કપિલ દેવ ઉપરાંત ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, માઈકલ એથર્ટન, નાસિર હુસૈન, ઈયાન ચેપલ, એલન બોર્ડર, માઈકલ બ્રિયરલી, ડેવિડ ગાવર, કિમ હ્યુજીસ, ક્લાઈવ લોયડ, સ્ટીવ વો અને જોન રાઈટે હસ્તાક્ષર કર્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, 14 દિગ્ગજ કેપ્ટનોએ પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફને અપીલ કરી છે કે ઈમરાનને યોગ્ય સારવાર આપે. અહેવાલ મુજબ, આ પત્ર પર કોઈપણ પૂર્વ પાકિસ્તાની કેપ્ટને હસ્તાક્ષર કર્યા નથી, જોકે ગયા અઠવાડિયે વસીમ અકરમ, વકાર યુનિસ અને શાહિદ આફ્રિદી સહિત ઘણા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર ઈમરાન માટે યોગ્ય સારવારની માગ કરી હતી.

ઈમરાન ખાન 1992માં વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાની ટીમના કેપ્ટન હતા. ક્રિકેટરથી નેતા બનેલા ઇમરાન ખાનની એક આંખની લગભગ 85% દૃષ્ટિ જતી રહી છે. આ ખુલાસો પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના આદેશ પર થયેલી તપાસમાં થયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વકીલ સલમાન સફદરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાન જેલ પ્રશાસન સમક્ષ ઘણા મહિનાઓથી આંખોમાં ધૂંધળાપણાની ફરિયાદ કરી રહ્યા હતા. ઓક્ટોબર 2025 સુધી તેમની દૃષ્ટિ સામાન્ય હતી, પરંતુ પછીથી જમણી આંખની રોશની અચાનક ઓછી થઈ ગઈ.

તપાસ દરમિયાન પિમ્સ હોસ્પિટલના આંખના નિષ્ણાતને બોલાવવામાં આવ્યા હતા. ડોકટરોએ શોધી કાઢ્યું કે ઇમરાનની આંખમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો, જેનાથી ગંભીર નુકસાન થયું હતું. સારવાર અને ઇન્જેક્શન આપ્યાં પછી પણ તેમની જમણી આંખમાં હવે માત્ર લગભગ 15% દૃષ્ટિ બાકી છે. ઇમરાનનું કહેવું છે કે તેમને ખાનગી ડોક્ટર પાસેથી સારવાર કરાવવાની મંજૂરી આપવામાં આવી નથી. તેમની આ સ્થિતિ અંગે દરેક દેશના ક્રિકેટર્સને ચિંતા છે પરંતુ પાકિસ્તાનના નેતાઓના મત પ્રમાણે બધુ જ બરાબર છે. આટલી હદે રાજકીય દુશ્મની જરા પણ યોગ્ય ગણી શકાય નહીં. રિપોર્ટ અનુસાર, ઇમરાન ખાનને ઓક્ટોબર 2023થી અડિયાલા જેલમાં સતત અલગ રાખવામાં આવ્યા છે.

પૂર્વ પીએમના વકીલે જણાવ્યું હતું કે તેમનો નિયમિત બ્લડ ટેસ્ટ થયો નથી. બે વર્ષમાં તેમને દાંતના ડોક્ટર પાસે પણ લઈ જવામાં આવ્યા નથી, જ્યારે તેમણે ઘણી વખત તેની માગ કરી હતી. મુલાકાત દરમિયાન તેઓ ખૂબ જ પરેશાન અને માનસિક રીતે દબાણમાં જોવા મળ્યા. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે તેમના પરિવાર અને વકીલોને મળવા પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. અદાલતના આદેશ છતાં તેમની બહેનોને નિયમિત રીતે મળવા દેવાયાં નહોતાં, જોકે તાજેતરમાં જેલ પ્રશાસન બદલાયા પછી હવે તેમને તેમની પત્નીને અઠવાડિયામાં એકવાર 30 મિનિટ મળવાની મંજૂરી મળી છે.

તેમના પુત્રો કાસિમ અને સુલેમાન સાથે 2025માં માત્ર બેવાર ફોન પર વાત કરવા દેવામાં આવી. છેલ્લા પાંચ મહિનાથી તેમને તેમના મુખ્ય વકીલ અને કાનૂની ટીમ સાથે પણ મળવા દેવામાં આવ્યા નથી. રિપોર્ટના અંતમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક સારી તબીબી તપાસ તેમજ પરિવાર અને વકીલોને મળવાની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો તેમના સ્વાસ્થ્યને વધુ ગંભીર ખતરો થઈ શકે છે.

Most Popular

To Top