સુરતના યોગીચોકમાં યુવક ગાંજો ફૂંકતા કેમેરામાં કેદ થયો છે,જે બાદ ટેકનિકલ સર્વેલન્સથી સરથાણા પોલીસે યુવકની ધરપકડ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે, ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર ફરી એકવાર નશાના કિસ્સાને લઈને ચર્ચામાં આવ્યું છે.શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એક યુવક જાહેરમાં ગાંજાનું સેવન કરતો કેમેરામાં કેદ થયો હતો.ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, યોગીચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટર પાસે યુવક નિર્ભય બનીને રોલિંગ પેપરમાં ગાંજો ભરી રહ્યો હતો.આસપાસ લોકોની અવરજવર હોવા છતાં તે જાહેરમાં જ નશાનું સેવન કરતો જોવા મળ્યો હતો.ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં પણ કેદ કરી લીધી હતી.જો કે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા વીડિયો પોલીસ સુધી પહોંચતા જ સરથાણા પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ સ્થાપિત કરી તેને ઝડપી લેવામાં આવ્યો.પોલીસ તપાસમાં યુવકની ઓળખ આદિત્ય ભાવેશ હીરપરા તરીકે થઈ છે, જે કામરેજ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ પૂછપરછ દરમિયાન યુવકે ગાંજાના વ્યસનની આદત હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેણે જણાવ્યું છે કે પોતે વ્યક્તિગત વ્યસન માટે ગાંજો લાવ્યો હતો અને કોઈ વેચાણ કે અન્યને પ્રેરિત કરવાનું કામ કરતું નથી.જોકે, કાયદાની નજરે જાહેરમાં નશાનું સેવન ગંભીર ગુનો ગણાય છે અને પોલીસે તેની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન અંતર્ગત ડ્રગ્સ અને નશાના કારોબાર સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ ઘટનાને પગલે પોલીસે ગાંજો સપ્લાય કરનાર સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં વધતા નશાના બનાવોને અટકાવવા પોલીસ હવે વધુ ચુસ્ત બનવાની તૈયારીમાં છે.