SURAT

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતી મતોથી ચૂંટાયા

ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. આજરોજ થયેલી ઉપાધ્યક્ષની ચૂંટણી માટે ભાજપ તરફથી  સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી બહુમતિથી ચૂંટાઈ આવ્યા છે. તેમની સામે કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઊભા હતા. રાજ્ય સરકાર અને સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહેલા પૂર્ણેશ મોદી પ્રશાસનિક અનુભવ અને સંગઠનાત્મક કાર્ય માટે જાણીતા છે. પૂર્ણેશ મોદી અગાઉ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે માર્ગ-મકાન અને નાગરિક ઉડ્ડયન જેવા અગત્યના વિભાગોની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ચૂકયા છે. વિધાનસભાની કાર્યવાહી, પરંપરા અને નિયમો અંગે તેમની ઊંડી સમજ અને અનુભવને ધ્યાનમાં લેતા, ઉપાધ્યક્ષ તરીકે ગૃહનું સુચારૂ સંચાલન કરવામાં તેમને વિશેષ સહાય મળશે.

નોંધનીય છે કે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે થોડા સમય પહેલાં ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં આ મહત્વપૂર્ણ બંધારણીય હોદ્દો ખાલી થયો હતો. ત્યારબાદ આ પદ માટે પક્ષના ઉચ્ચ સ્તરે વિવિધ નામો પર વિસ્તૃત ચર્ચા અને વિચારણા હાથ ધરવામાં આવી હતી. અંતે પૂર્ણેશ મોદીના રાજકીય અનુભવ અને કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને તેમના નામને મંજૂરી આપવામાં આવી. તેઓ બહુમતી મતોથી ચૂંટાઈ આવતા પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

Most Popular

To Top