Science & Technology

ભારતમાં સોશિયલ મીડિયા અને એઆઈ માટે નવા નિયમો જાહેર

એઆઈનો ઉપયોગ આજે સૌકોઈ કરતા થયા છે. એના ફાયદા પણ છે અને નુકસાન પણ. ભારતમાં લગભગ એક અબજ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. યુવા વસ્તી વધુ હોવાને કારણે ભારત સોશિયલ મીડિયા માટે મોટું બજાર છે. પરંતુ ડીપફેક, નકલ કરેલી વિડિઓ, છેતરપિંડી અને ખોટી માહિતી જેવા મામલાઓમાં વધારો થતાં સરકાર ચિંતિત છે. તેથી એઆઈ અને ડીપફેકના દુરુપયોગને રોકવા માટે આ નવા નિયમો લાવવામાં આવ્યા છે. આ જાહેરાત તે સમયે થઈ છે જ્યારે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ વૈશ્વિક એઆઈ સમિટનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે.
ડીપફેક અને ભ્રમણામાં નાખતા વીડિયો પર લગામ લગાવવા એક નવા કાનૂન અને રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. આ નિયમોને સોશિયલ મીડિયા કંપની અને યૂઝર્સ બંને પર જવાબદારી રહેશે. સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતું કન્ટેન્ટ સાચું છે કે એઆઈનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે, એનો પોસ્ટકર્તાએ ઉલ્લેખ કરવો પડશે. આ લેબલ કાયમી હોવા જોઈએ અને તેને દૂર કે છુપાવી શકાય નહીં. જો AI સામગ્રી યોગ્ય લેબલ વિના પ્રકાશિત થશે, તો તેની જવાબદારી જે-તે પ્લેટફોર્મ પર રહેશે. આ નિયમો 2021ના IT નિયમોમાં સુધારા તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તે 20 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. સાથોસાથ ગુમરાહ કરનારું કન્ટેન્ટ કે જેનાથી કોઈની સાથે છેતરામણી થાય કે કોઈને નુકસાન પહોંચે એવું કન્ટેન્ટ હશે તો તેના માટેની ટાઇમલાઇન પણ સખત કરવામાં આવી છે. કોર્ટના આદેશ મુજબ જો એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટયુબ અને અન્ય પ્લેટફોર્મ્સ પર કોઈ વાંધાજનક કન્ટેન્ટ હશે, તો જવાબદાર ઓથોરિટીએ તેને ત્રણ કલાકની અંદર હટાવવું પડશે. આ સાથે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સામે ખતરો બને, તેવી કોઈપણ સામગ્રી દૂર કરવાનો આદેશ આપી શકે છે.
આજે સોશિયલ મીડિયા પર સેલેબ્રિટીઓના એઆઈ વીડિયો સાચુકલા લાગે એવા અવારનવાર જોવા મળે છે. આ ટેકનોલોજી જેટલી આસાન છે એટલી ભયાનક પણ છે. ખાસ કરીને ડીપફેક જેવી ટેકનોલોજીથી ઘણી અભિનેત્રીઓના અર્ઘનગ્ન વિડીયો પણ સોશિયલ મીડિયા પર વહેતા જોવા મળે છે. આ બધાને જોઈ અને આજે એઆઈ અને સાચા વીડિયોમાં ફરકને પારખવા ખવાતી થાપને કારણે ભારતના માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગને લગતા છે. હવે સોશિયલ મીડિયા કંપનીઓને સરકાર અથવા અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ગણાતી સામગ્રી દૂર કરવા માટે માત્ર ત્રણ કલાકનો સમય મળશે. પહેલાં આ સમય મર્યાદા 36 કલાક હતી. એટલે હવે પ્લેટફોર્મ્સને વધુ ઝડપથી કાર્યવાહી કરવી પડશે.

Most Popular

To Top