સુરતનાં વરાછામાં કાપડના શ્રમિકો પર કોમવાદી હુમલાનો આક્ષેપ,ભયના માહોલ વચ્ચે કાર્યવાહીકરવાની માંગ
સુરત શહેરના વરાછા વિસ્તારમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવી યુવકો પર માથાભારે શખ્સો દ્વારા કોમવાદી ટીપ્પણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને લઈને સામાજિક સંગઠનો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે
ગત તા. ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પીડિત શ્રમિકો કામના હેતુસર વરાછામાં આવેલા ક્રિએશન પ્લાઝા સામે તેમજ દયારામ લક્ષ્મી પાર્ક અને અનુપમ પ્લાઝા નજીક ગયા હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને રસ્તામાં અટકાવી ધાર્મિક પહેરવેશને લઈ ઉશ્કેરણીજનક અને અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. એટલું જ નહીં, પરંતુ આરોપીઓએ શ્રમિકોને જાનથી મારી નાખવાની ધમકી આપતાં કાયદા અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાક્રમ આસપાસ આવેલી દુકાનોના સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનો દાવો અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે.પીડિતોનું કહેવું છે કે જો સીસીટીવી ફૂટેજની યોગ્ય તપાસ કરવામાં આવે તો આરોપીઓની ઓળખ સરળતાથી થઈ શકે છે, કારણ કે આરોપીઓ આ વિસ્તારના જ રહેવાસી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
સુરત ના વરાછા પોલીસ સ્ટેશન જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે માત્ર ધર્મના આધારે ગરીબ અને મહેનતકશ શ્રમિકોને નિશાન બનાવવું અત્યંત ગંભીર અને નિંદનીય બાબત છે. આરોપીઓએ “પોલીસ અમારું કંઈ ઉખાડી શકવાની નથી” જેવા શબ્દોનો ઉપયોગ કરી કાયદા પ્રત્યે અવગણના દર્શાવી હોવાનો પણ અરજી માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે ચિંતાજનક ગણાઈ રહ્યો છે.ઘટના બાદ પીડિત શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને તેઓએ પોતાનું રોજગાર કાર્ય બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે તેમના પરિવારના ગુજરાન પર પણ ગંભીર અસર પડી રહી છે. સામાજિક સંગઠનોએ આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે.તેમજ પીડિત શ્રમિકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે.તેવી પણ માંગ ઉઠી છે, હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આગામી સમયમાં તપાસના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.