મહારાષ્ટ્રના રાજકારણમાં પવાર પરિવાર હંમેશા કેન્દ્રસ્થાને રહ્યો છે. અત્યાર સુધી સુનેત્રા પવારની ઓળખ મુખ્યત્વે ‘અજિત પવારના પત્ની’ અને એક કુશળ સામાજિક કાર્યકર તરીકેની હતી. પરંતુ, તાજેતરની લોકસભા અને ત્યારબાદની રાજકીય ગતિવિધિઓએ સાબિત કર્યું છે કે તેઓ હવે માત્ર એક સહાયક ભૂમિકામાં નથી, પરંતુ સક્રિય રાજકારણના ચેસબોર્ડ પર એક મહત્વનું પદુ બની ગયા છે. સુનેત્રા પવાર માટે રાજકારણમાં પ્રવેશ કરવો એ ફૂલોની પથારી નહોતી. બારામતી લોકસભા બેઠક પર તેમની નણંદ સુપ્રિયા સુલે સામેની ચૂંટણી લડવી એ તેમના જીવનનો સૌથી મોટો વળાંક હતો.
આ જંગ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો નહોતો, પણ ‘પવાર વિરુદ્ધ પવાર’ અને ‘પરંપરા વિરુદ્ધ પરિવર્તન’ વચ્ચેનો હતો. જોકે ચૂંટણીના પરિણામો તેમના પક્ષમાં ન રહ્યા, પણ તેમણે જે રીતે પ્રચારની કમાન સંભાળી તે તેમની મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવે છે. લોકસભામાં હાર બાદ ઘણા રાજકીય વિવેચકોએ માની લીધું હતું કે સુનેત્રા પવાર કદાચ પૃષ્ઠભૂમિમાં જતા રહેશે. પરંતુ, અજિત પવારના નેતૃત્વ હેઠળની NCP એ તેમને રાજ્યસભામાં મોકલીને સ્પષ્ટ સંકેત આપ્યો કે પક્ષ તેમનામાં વિશ્વાસ ધરાવે છે. આ પગલું માત્ર એક બેઠકની ફાળવણી નથી, પરંતુ બારામતી અને મહારાષ્ટ્રમાં મહિલા નેતૃત્વને મજબૂત કરવાની એક વ્યૂહરચના છે.
રાજકારણ સિવાય, સુનેત્રા પવાર ‘વિદ્યા પ્રતિષ્ઠાન’ જેવી શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યાવરણના કાર્યોમાં વર્ષોથી સક્રિય છે. નિર્મલ ગ્રામ અભિયાન જેવી પહેલોમાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેમની કાર્યશૈલી શાંત છે, પણ તેમાં મક્કમતા જોવા મળે છે. તેઓ એવા નેતા તરીકે ઉભરી રહ્યા છે જે ગ્લેમર કરતા ગ્રાઉન્ડ લેવલના કામ પર વધુ ધ્યાન આપે છે. આજે જ્યારે મહારાષ્ટ્રનું રાજકારણ અત્યંત જટિલ વળાંક પર છે, ત્યારે સુનેત્રા પવારની ભૂમિકા નિર્ણાયક બની રહેશે.
શું તેઓ આગામી સમયમાં જનતાનો એવો જ વિશ્વાસ જીતી શકશે જેવો શરદ પવારે દાયકાઓ સુધી જાળવી રાખ્યો છે? તે તો સમય જ કહેશે. હાલ પૂરતું એટલું કહી શકાય કે, સુનેત્રા પવાર હવે કોઈના પડછાયામાં નથી, તેઓ પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. જો કે, એનસીપી અજીત પવાર જૂથમાં પ્રફુલ્લ પટેલ, છગન ભૂજબળ અને શુનિલ તટકરે જેવા દિગ્ગજ નેતાઓ હોવા છતાં ઉપ મુખ્મમંત્રીની ખુરશી સુનેત્રા પવારને સોંપી દેવામાં આવી છે જેનાથી એટલું તો ફલિત થાય જ છે કે જો રાજકીય પરિવારમાં જન્મ લીધો હોય તો ઊંચામાં ઊંચા પદ પર પણ પહોંચી શકાય છે.
અજિત પવારના પત્ની સુનેત્રા પવાર શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવનમાં સુનેત્રાને શપથ લેવડાવ્યા. શપથગ્રહણ સમારોહ અંદાજે 12 મિનિટ સુધી ચાલ્યો હતો. શરદ પવારની આ સમારોહમાં સૂચક હાજરી રહી. આ અગાઉ દિવસ દરમિયાન NCP ધારાસભ્ય દળ અને વિધાન પરિષદના સભ્યોની વિધાન ભવનમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સુનેત્રાને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી CMના શપથ લેતા પહેલા સુનેત્રાએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું હતું. અજિત પવારનું ચાર દિવસ પહેલા 28 જાન્યુઆરીએ બારામતીમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ ડેપ્યુટી CM પદ ખાલી પડ્યું હતું.
સુનેત્રા પવારે ઉપ મુખ્યમંત્રીના શપથ લીધા તેના ગણતરીના કલાકો પહેલા મહારાષ્ટ્રમાં NCPના બંને જૂથોના વિલિનીકરણ પર શરદ પવારે કહ્યું કે, આ અજિત પવારની પણ ઈચ્છા હતી. તે ચોક્કસપણે પૂરી થવી જોઈએ. શરદે કહ્યું કે અજિત, શશિકાંત શિંદે અને જયંત પાટીલે બંને જૂથોના વિલિનીકરણ વિશે વાતચીત શરૂ કરી હતી. વિલિનીકરણની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. 12 ફેબ્રુઆરીએ વિલિનીકરણની જાહેરાત થવાની હતી પરંતુ કમનસીબે, અજિત તે પહેલાં અમને છોડીને ચાલ્યા ગયા. શરદ પવારના નિવેદન પર NCP (અજિત જૂથ)ના નેતા પ્રમોદ હિંદુરાવે કહ્યું, તેઓ અમારા સીનિયર નેતા છે.
હું તેમના વિશે વધુ કંઈ કહી શકતો નથી પરંતુ મારું માનવું છે કે આવનારા દિવસોમાં તમામ પક્ષો સાથે મળીને કામ કરશે. ખરેખરમાં અજિત પવારે 17 જાન્યુઆરીએ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓએ બારામતી એગ્રીકલ્ચર એક્ઝિબિશન વિશે વાત કરી હતી. જોકે આ મુલાકાતના 11 દિવસ પછી અજિતનું પ્લેન ક્રેશમાં નિધન થયું. અજિતના નિધન પછી રાજકીય હિલચાલ તેજ થતાં શરદે કહ્યું હતુ કે, આ બધી ચર્ચાઓ અહીં નથી થઈ રહી, આ મુંબઈમાં થઈ રહી છે.
પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે અને અન્ય વરિષ્ઠ નેતાઓ આ ચર્ચાઓ કરી રહ્યા છે. જે કંઈ પણ દેખાઈ રહ્યું છે, એવું લાગે છે કે આ નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવ્યા છે. હું આના પર કોઈ ટિપ્પણી નહીં કરું. ડેપ્યુટી સીએમ પદ માટે સુનેત્રા પવારનું નામ આપવામાં આવ્યું હોવાની મને કોઈ જાણકારી નથી. તેમની પાર્ટીએ નિર્ણય કર્યો હશે. મેં આજે ન્યૂઝ પેપરમાં જોયું. પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે જેવા કેટલાક નામ છે જેમણે કેટલાક નિર્ણયો લેવાની પહેલ કરી છે. જો પરિવારમાં કોઈ સમસ્યા હોય, તો પરિવાર એકજૂટ રહે છે. પરિવારમાં કોઈ સમસ્યા નથી.
અજિત પવાર એક સક્ષમ અને સમર્પિત નેતા હતા જેમણે ખરેખર લોકો માટે કામ કર્યું. તેઓ લોકોની સમસ્યાઓને સારી રીતે સમજતા હતા અને હંમેશા એ સુનિશ્ચિત કરવા માટે કામ કરતા હતા કે લોકોને ન્યાય મળે. જો કે આ તમામ વાત વચ્ચે ભાજપ જેનો સતત વિરોધ કરે છે તે વાતનો છેદ ઉડી ગયો છે. અત્યારે ભાજપના નેતાઓ એવો તર્ક કરે છે કે તે તેમની પાર્ટીની આંતરિક બાબત છે. તો હવે કોંગ્રેસ પ્રમુખ, આરજેડી પ્રમુખ, સમાજવાદી પાર્ટીના પ્રમુખની વાત આવે ત્યારે તે તેમનો આંતરિક મામલો નથી? તે પ્રશ્નનો જવાબ પણ ભાજપે આપવો જોઇએ.