Columns

એપલ કંપની આઇફોનના ભારતમાં ઉત્પાદન બાબતે ટ્રમ્પની આજ્ઞા માથે ચડાવશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ચોંકાવનારું નિવેદન કર્યું છે કે તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું હતું કે હું નથી ઇચ્છતો કે એપલ ભારતમાં આઈફોન બનાવે, કારણ કે ભારત એવા દેશોમાંનો એક છે જે સૌથી વધુ ટેરિફ લાદે છે. ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા મુજબ તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું કે અમે તમારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે. તમે ચીનમાં ફેક્ટરીઓ બનાવી, અમે વર્ષોથી તે સહન કર્યું, પરંતુ અમને ભારતમાં તમારા ઉત્પાદનમાં કોઈ રસ નથી. ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે. એપલ દ્વારા ભારતમાં આઇફોનના ઉત્પાદન વિશે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વની મુલાકાત દરમિયાન દોહામાં કહ્યું કે ભારતે અમને એક સોદો ઓફર કર્યો છે, જેમાં તેઓ અમેરિકા પર કોઈ ટેરિફ નહીં મૂકવા સંમત થયા છે.

હકીકતમાં એપલ કંપની સતત પોતાની ફેક્ટરીઓ ચીનમાં બંધ કરી રહી છે અને ભારતમાં શરૂ કરી રહી છે. એપલ કંપનીની યોજના ભારતમાં વપરાતાં આઈ ફોન ઉપરાંત અમેરિકાના બજારમાં વેચાતા આઈ ફોનનું ઉત્પાદન પણ ભારતમાં કરવાની છે, જેની સામે ડોનાલ્ડ ટ્રમ્પને સખત વાંધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે મેં ટિમને કહ્યું હતું કે જો તમે ભારતીય બજાર માટે ભારતમાં ઉત્પાદન કરવા માંગતા હો તો તે કરો, પણ અમેરિકા માટે તમારે અહીં આવીને ઉત્પાદન કરવું પડશે. આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે એપલને અમેરિકામાં ઉત્પાદન શરૂ કરવા કહ્યું હોય. ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ ઝૂકીને એપલના સીઈઓ ટિમ કૂકે તાજેતરમાં કહ્યું છે કે કંપની આગામી ચાર વર્ષ દરમિયાન અમેરિકામાં પાંચસો અબજ ડોલરનું રોકાણ કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમનાં ઘણાં જાહેર નિવેદનોમાં કહ્યું છે કે તેઓ વ્યવસાયનો ઉપયોગ એક રાજદ્વારી સાધન તરીકે કરી રહ્યા છે. અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી છે. તેનું પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારું નિવેદન કર્યું છે કે ભારત અમેરિકાના માલની આયાત પરની જકાત માફ કરવા તૈયાર થઈ ગયું છે. જો કે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું કે વાટાઘાટો હજુ પણ ચાલુ છે અને જ્યાં સુધી તેને અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કોઈ પણ બાબતની પુષ્ટિ કરવામાં આવશે નહીં.

હાલમાં કુલ આઇફોનના વીસ ટકા ભારતમાં ઉત્પન્ન થાય છે અને એપલ કંપની તેમાં વધારો કરવાની યોજના ધરાવે છે. એપલે ભારતમાં વર્ષ ૨૦૧૭ માં ઉત્પાદન શરૂ કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આઇફોનના ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. ગયા નાણાંકીય વર્ષમાં એપલે ભારતમાં ૨૨ અબજ ડોલરના મૂલ્યના આઇફોનનું ઉત્પાદન કર્યું હતું. આ ઉત્પાદન ગયા વર્ષ કરતાં ૬૦ ટકા વધુ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં એપલે ભારતમાંથી ૧૭.૪ અબજ ડોલરના આઇફોનની નિકાસ કરી હતી. આ મહિને એપલે જાહેરાત કરી હતી કે તે તેના મોટા ભાગના આઇફોન અને અન્ય ઉત્પાદનોને અમેરિકાના બજારમાં વેચાણ માટે ચીનની બહાર ખસેડી રહી છે. એપલ કંપનીના સીઈઓ ટિમ કૂકે થોડા દિવસો પહેલાં રોકાણકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમેરિકાની માર્કેટમાં વેચાતા મોટા ભાગના આઈફોન ભારતમાં બનાવવામાં આવશે, જ્યારે આઈપેડ અને આઈવોચ વિયેતનામમાં બનાવવામાં આવશે.

ભારતમાં મોબાઇલ ફોન ઉત્પાદનની વાર્તા ૨૦૦૬ માં શરૂ થઈ હતી, જ્યારે જપાનની નોકિયાએ અહીં મૂળભૂત ફોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ભારતમાં ઘણી વધુ કંપનીઓએ ફોન બનાવવાનું શરૂ કર્યું. ૨૦૧૪ સુધી ભારતમાં ફક્ત સ્માર્ટફોનનું એસેમ્બલીંગ જ થતું હતું. ૨૦૧૪ માં ભારત સરકારે મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરી અને કંપનીઓને વિદેશથી ઘટકો આયાત કરીને ભારતમાં ફોન એસેમ્બલ કરવા માટે પ્રોત્સાહિત કરી. ૨૦૧૭ માં ભારતે કંપનીઓને સ્થાનિક રીતે ઘટકો બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે તબક્કાવાર ઉત્પાદન કાર્યક્રમ અમલમાં મૂક્યો અને અહીં ફોનના ઉત્પાદન માટે સપ્લાય ચેઇન સ્થાપિત થવા લાગી. ૨૦૧૮ માં સેમસંગે નોઈડામાં એક વિશાળ ફોન ઉત્પાદન એકમ શરૂ કર્યું. ભારતમાં વેચાતા મોટા ભાગના સેમસંગ ફોન અહીં બનાવવામાં આવે છે. ૨૦૨૦ માં ભારતે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી, જેના હેઠળ કંપનીઓ ચોક્કસ ઉત્પાદન શરતો પૂર્ણ કરે તો તેમને સીધો લાભ મળે છે.

ભારત સરકારની ઘણી નીતિઓએ મોટી કંપનીઓને ભારત તરફ આકર્ષિત કરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદકો માટે એક ઇકો-સિસ્ટમ સ્થાપિત થઈ છે. ફોનના પરિવહન માટે ભારતના હાઇ વેમાં સુધારો થયો છે, સપ્લાયર ચેઇન વિકસિત થઈ છે અને સરકારે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણી નીતિઓ પણ અમલમાં લાવી છે. ભારત કરતાં ચીનમાં ફોનનું ઉત્પાદન કરવું સસ્તું છે, પરંતુ કંપનીઓને PLI દ્વારા સીધો લાભ મળ્યો છે અને તેને કારણે ભારત ચીનના એક મજબૂત સ્પર્ધક તરીકે ઉભરી આવ્યું છે. વિશ્લેષકો એમ પણ માને છે કે કોવિડ પછી વિદેશી કંપનીઓને સમજાયું કે તેઓ ઉત્પાદન માટે ફક્ત ચીન અથવા કોઈ એક દેશ પર આધાર રાખી શકતા નથી. ભારતે બતાવી દીધું હતું કે ભારતમાં પણ ફોનનું ઉત્પાદન કરી શકાય છે. આ કારણે ૨૦૨૦ પછી ભારતમાં આઇફોનના ઉત્પાદને વેગ પકડ્યો હતો.

ભારતમાં એપલના વધતા ઉત્પાદનથી નવી રોજગારીની તકો ઊભી થઈ છે. ગયા વર્ષે ઓગસ્ટ સુધીમાં એપલ ફોન બનાવતી કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓમાં ૧.૬૪ લાખથી વધુ લોકો કામ કરી રહ્યાં હતાં. ભારતમાં ત્રણ કંપનીઓ દ્વારા આઇફોનનું ઉત્પાદન કરવામાં આવે છે: ફોક્સકોન, પેગાટ્રોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ. તાઇવાનના વિસ્ટ્રોન ગ્રુપનો કર્ણાટકમાં આઇફોન એસેમ્બલી પ્લાન્ટ પણ હતો પરંતુ તે ટાટા દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો. ફોક્સકોન ભારતમાં આઇફોનની સૌથી મોટી ઉત્પાદક છે અને ઉત્પાદનમાં તેનો હિસ્સો ૬૭ ટકા છે. શ્રીપેરુમ્બુદુરમાં ભારતનો સૌથી મોટો આઇફોન ઉત્પાદન પ્લાન્ટ છે. તે ચેન્નાઈથી પચાસ કિલોમીટર દૂર આવેલો છે અને લગભગ ચાલીસ હજાર કર્મચારીઓને રોજગારી આપે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આઇફોનનું વેચાણ સતત વધી રહ્યું છે, જ્યારે સ્થાનિક ચીની બજારમાં આઇફોનનું વેચાણ ઘટ્યું છે. થોડાં વર્ષો પહેલાં ભારતે વિદેશથી આવતા ફોન પર વીસ ટકા કસ્ટમ ડ્યુટી લાદી હતી, જે હવે પંદર ટકા છે. પરંતુ જો તમે ભારતમાં ઉત્પાદન કરો છો, તો ફોનનાં ઘટકો પરની આ ડ્યુટી ઘણી ઓછી છે. એટલે કે, જો તમે ભારતમાં ફોનનું ઉત્પાદન કરો છો તો ફોનની કિંમત ઘટી જાય છે. ભારત આઇફોન માટે પણ એક મોટું બજાર બની રહ્યું છે. એટલા માટે એપલ જેવી કંપનીઓ માટે ભારતમાં ઉત્પાદન વધારવું એ નફાકારક સોદો છે.

ચીન એપલના ઉત્પાદન માટેનું સૌથી મોટું કેન્દ્ર રહ્યું છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં એપલ સહિત ઘણી કંપનીઓ ભારત તરફ વળી છે. વિશ્લેષકો માને છે કે આનું સૌથી મોટું કારણ એ છે કે બદલાતા વૈશ્વિક વાતાવરણમાં એપલ કંપની તેના ઉત્પાદન માટે ફક્ત ચીન પર નિર્ભર રહેવા માંગતી ન હતી. હકીકતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ વધુ ગંભીર બન્યું છે. આ સમયગાળા દરમિયાન ભારત એક ઉત્પાદન કેન્દ્ર તરીકે પણ ઉભરી આવ્યું હતું, જ્યાં ફોન જેવાં જટિલ ઉત્પાદનો બનાવવા માટે માળખાગત સુવિધાઓ બનાવવામાં આવી રહી હતી અને સરકાર તેને પ્રોત્સાહન આપી રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ચીન સાથેનું વેપાર યુદ્ધ વધુ ગંભીર બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કર્યો હતો.

ચીને પણ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ વધારીને બદલો લીધો છે. ભારતમાં આઇફોન ઉત્પાદન અંગે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે શું એપલ ભારતમાં ઉત્પાદનને વધુ વિસ્તૃત કરવાની તેની યોજનાઓ પર પુનર્વિચાર કરી શકે છે? વિશ્લેષકો કહે છે કે ટ્રમ્પના નિવેદનને ગંભીરતાથી લેતાં પહેલાં વિચારવું જોઈએ. એપલ પોતાના હિતમાં જે પણ નિર્ણય લેશે, તે ખૂબ જ વિચારપૂર્વક લેશે. હવે એપલે ભારતમાં પોતાને સ્થાપિત કરી લીધું છે, તેના ઉત્પાદન માટે એક સંપૂર્ણ ઇકો-સિસ્ટમ રચાઈ છે અને કંપનીનું ઉત્પાદન અહીં સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં એપલ માટે અહીંથી વિદાય લેવી સરળ નિર્ણય નહીં હોય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top