ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય અને પૂર્વીય પવનની દિશાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની ચેતવણી ઈશ્યુ કરી દેવાઈ છે. બીજી તરફ રાજયમાં આજે દિવસ દરમિયાન રાજયમાં ઠંડીનો પારો 1થી2 ડિગ્રી સુધી નીચે ગગડી જવા સાથે કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહેવા પામ્યો હતો. આજે દિવસ દરમિયાન કચ્છના નલિયામાં 6 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. હજુયે નલિયામાં 24 કાલકની અંદર ઠંડીનો પારો નીચે ગગડી જાય તેવી સંભાવના છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છમાં કાતિલ ઠંડીની અસર વર્તાઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં રાજકોટ તથા નલિયામાં કાતિલ ઠંડી અનુભવાઈ હતી. આજે દિવસ દરમિયાન રાજયમાં કચ્છના નલિયામાં ઠંડીનો પારો 6 ડિગ્રીએ પહોચી ગયો હતો. અમદાવાદ તથા ગાંધીનગર પણ શીત લહેરની અસર હેઠળ કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી 26મી ડિસેમ્બર સુધી રાજયમાં ઠંડીનું મોજુ યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 13 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., ભૂજમાં 10 ડિ.સે., નલિયામાં 6 ડિ.સે., કંડલા પોર્ટ પર 13 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 12 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે., રાજકોટમાં 9 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 13 ડિ.સે., અને કેશોદમાં 11 ડિ.સે.,લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.