Dakshin Gujarat

ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ પર બળાત્કાર, પડોશી ઝાડીમાં લઈ જઈ ચૂંથી નાંખી

ઝઘડિયા-ભરૂચ: ભરૂચની ઝઘડિયા GIDCમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે, જેમાં એક નરાધમે 10 વર્ષીય શ્રમિક પરિવારની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકી ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજા પહોંચાડતાં અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે.

  • ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ બાળા ઉપર બળાત્કાર, ઝાડીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી
  • લોહીલુહાણ હાલતમાં બાળકી મળતાં માતાને ધ્રાસ્કો
  • પોલીસે ગણતરીના કલાકમાં નરાધમ આરોપીને દબોચી લીધો
  • બાળકીને સારવાર માટે અંકલેશ્વર અને ભરૂચ બાદ વડોદરા ખસેડાઈ

ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDCમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. જેમની અંદાજિત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતાં માતા સ્તબ્ધ બની ગઈ હતી. આ ઘટના બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ દુષ્કર્મ આચરતા ભોગ બનેલી બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સારવાર હાથ ધરાઈ હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતાં વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડો.કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાઈ છે.

હાલ પોલીસે ભોગ બનેલી બાળકીની માતાનું નિવેદન લીધું હતું. અને આ ઘટનામાં ગણતરીના કલાકોમાં આરોપી વિજય પાસવાનને દબોચી લીધો હતો. ઝડપાયેલો આરોપી મૂળ ઝારખંડનો વતની છે અને હાલમાં ભોગ બનનાર બાળકીની બાજુમાં રહે છે. તે મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. પોલીસે આરોપીનાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top