World

ગ્રીસના જંગલોમાં ભીષણ આગ લાગી, અડધા દેશમાં રેડ એલર્ટ જારી

નવી દિલ્હી: ગ્રીસની (Greece) રાજધાની એથેન્સ એક નવા સંકટથી ઘેરાઇ ગઇ છે. અસલમાં એથેન્સના ઉત્તરી વિસ્તારમાં જંગલમાં લાગેલી આગ (Fierce fire) કાબૂ બહાર થઈ રહી છે. સતત ફેલાતી આગને કાબુમાં લેવા માટે બે ડઝનથી વધુ વિમાનોની મદદ લેવામાં આવી રહી છે. તેમજ સેંકડો અગ્નિશામક દળો વિમાનોમાંથી પાણીનો છંટકાવ કરીને આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અસલમાં ગ્રીસની રાજધાની એથેન્સના ઉત્તરી કિનારે આવેલા જંગલમાં ગઇકાલે રવિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારે એથેન્સને અડીને આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું હતું. કારણ કે અહીં જોરદાર પવનને કારણે જ્વાળા વધુને વધુ ઉગ્ર બની રહી છે. ત્યારે આગ પર પાણીનો છંટકાવ કરવામાટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. તેમજ સેંકડો અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન સુકા દેવદારના જંગલોમાં આગ સતત ફેલાઈ રહી છે. જેનું એક કારણ જૂન અને જુલાઈ મહિનામાં ગ્રીસમાં સરેસાશ કરતા વધુ પડેલી ગરમીને પણ માની શકાય છે.

સમગ્ર મામલે ફાયર વિભાગે જણાવ્યું હતું કે સોમવારે સવારે બાળકોની હોસ્પિટલ અને લશ્કરી હોસ્પિટલને ખાલી કરાવવામાં આવી હતી. તેમજ મેરેથોન અને એથેન્સના કેટલાક ઉપનગરો સહિત એક ડઝનથી વધુ વિસ્તારોને ખાલી કરાવવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ સાથે જ આસપાસના ઉપનગરોમાં લોકો માટે હોટલોમાં રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

ભારે પવનના કારણે આગ ફાટી નીકળી હતી
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ કુદરતી આફતમાં બે અગ્નિશામકોને થોડી ઈજા થઈ હતી, જ્યારે ધુમાડાને કારણે ગૂંગળામણની ફરિયાદ બાદ અનેક નાગરિકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. આગને કારણે એથેન્સના આકાશમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા છે, જેના કારણે ચારેબાજુ અંધારું છવાઈ ગયું છે. ત્યારે એથેન્સથી લગભગ 35 કિલોમીટર દૂર રવિવારે બપોરે આગ ફાટી નીકળી હતી. તેમજ જોરદાર પવનના કારણે આગ કાબૂ બહાર ગઈ હતી. આ વર્ષે જૂન અને જુલાઈ ગ્રીસમાં અત્યાર સુધીના સૌથી ગરમ મહિના હતા અને આ વખતે પણ સૌથી ગરમ શિયાળો નોંધાયો હતો.

રેડ એલર્ટ જારી
હવામાનશાસ્ત્રીઓ અને સરકારી અધિકારીઓએ રવિવારથી ગુરુવાર સુધી હવામાનની સ્થિતિને કારણે જંગલમાં આગ લાગવાના જોખમની ચેતવણી આપી છે. તેમજ ક્લાઈમેટ ક્રાઈસિસ અને સિવિલ પ્રોટેક્શન મિનિસ્ટર વાસિલિસ કિકિલિયાસે જણાવ્યું હતું કે જંગલમાં લાગેલી આગના જોખમને કારણે અડધા દેશના ભાગ માટે “રેડ એલર્ટ” જારી કરવામાં આવ્યું છે.

Most Popular

To Top