સુરત: પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની (Bharat Cancer Hospital) બહાર પાંચ ઈસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ (Firing) કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા ની સાથે જ એસીપી સહીત પુણા તથા સારોલી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે.
આ બનાવમાં યુવકને કોઈપણ પ્રકારની ઇજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ફાયરિંગ બાદ હુમલાખોરો અલગ અલગ દિશામાં ભાગી છૂટ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પુણા કુંભારિયા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલની બહારથી એક યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે ચારથી અચાનક તેની નજીક 5 અજાણ્યા ઈસમો આવ્યા હતા અને યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે યુવક બચી ગયો હતો. ફાયરિંગ કરાયેલા રાઉન્ડની કારતૂસ ઉછળીને ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયરીંગના અવાજને પગલે આજુબાજુના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
યુવક પર ફાયરિંગ કર્યા બાદ પાંચેય ઈસમો પૈકી બે ઈસમો ભરત કેન્સર હોસ્પિટલના પાર્કિંગમાંથી બીજા ગેટમાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ એસીપી તથા સારોલી તથા પુણા પીઆઇ અને ડીસ્ટાફ સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે ભરત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર દિશામાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બે યુવક રસ્તાના કિનારે ઉભા છે, ત્યારે એક બ્લ્યુ કલરની કાર ત્યાં આવે છે. કારની અંદરથી ચારેક ઈસમો હથિયાર સાથે બહાર નીકળે છે. ત્યાર બાદ ઉભેલા યુવકો સાથે મારપીટ કરે છે. દરમિયાન એક યુવક આડેધડ ફાયરીંગ કરે છે. હુમલા બાદ બધા ભાગી છૂટે છે.
ઘટના અંગે શું કહ્યું પોલીસે?
ઘટના અંગે એસીપી વિપુલ પટેલે કહ્યું કે, આજે બપોરે 1.20 કલાકે ભરત કેન્સર હોસ્પિટલ સામે ફાયરીંગની ઘટના બની હતી. સંગ્રામ માલાભાઈ ભરવાડ પર ફાયરીંગ થયું હતું. હુમલાખોરો ફાયરીંગ કરી ભાગી છૂટ્યા હતા. સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.