Dakshin Gujarat Main

વાંકલમાં ચાર દિવસમાં 35 લોકો પર હુમલો કરનાર વંઠેલો વાનર આખરે પકડાયો

વાંકલ(Vankal): છેલ્લાં ચાર દિવસથી માંગરોળના (Mangrol) વાંકલમાં આતંક મચાવનાર કપિરાજ (Monkey) આખરે પાંજરે પુરાયા છે. ચાર દિવસમાં તોફાની વાનરે 35 લોકો પર હુમલો કર્યો હતો. આજે સવારે પણ ત્રણ જણને બાચકાં ભર્યા હતા. કોઈ કારણોસર તોફાને ચઢેલા વાનરને આખરે આજે ડાર્ટ ગનથી બેહોશ કરી પકડી પાંજરે પુરવામાં આવ્યો છે. તોફાની વાનર પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

  • અંતે કપિરાજને પકડવામાં મળી સફળતા
  • ડાર્કગનથી કપિરાજને બેહોશ કરતા હાશકારો
  • કપિરાજ ને પકડવામાં સફળતા મળતા વાંકલ ગામમાં હાશકારો
  • ચાર દિવસમાં વાનરે 35 લોકો પર હુમલો કર્યો હતો

માંગરોલ તાલુકાના વાંકલ ગામે તોફાની કપિરાજ ને ડાર્ટ ગન થી લેપડ એમ્બેસેડર કૌશલ મોદી અને લેપડ એમ્બેસેડરના મેમ્બર રઘુવીરસિંહ ખેર દ્વારા બેહોશ કરવામાં આવ્યો હતો. વન વિભાગ વાંકલ ની ટીમ, ઝંખવાવના ઉંમરપાડા નો સ્ટાફ પણ જોડાયો હતો તોફાની કપિરાજને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજે સવારે પણ ત્રણ જણાં ને બચકા ભર્યા હતા
છેલ્લાં ચાર દિવસથી વાંકલ પંથકમાં તોફાની કપિરાજે આતંક મચાવ્યો હતો. તે લોકો પર હુમલા કરી રહ્યો હતો. ચાર દિવસમાં 35 લોકોને ઈજા પહોંચાડી હતી. લોકો વાનરથી ડરી ગયા હતા. ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યાં હતાં. આજે સવારે પણ વાનરે 3 લોકોને ઈજા પહોંચાડી હતી. ગ્રામજનોની ફરિયાદને પગલે વન વિભાગે ટ્રેપ ગોઠવી આજે વાનરને પકડ્યો છે.

વંઠેલા વાનરે વનવિભાગના અધિકારીઓને ખૂબ હંફાવ્યા
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે છેલ્લા થોડા દિવસથી કપિરાજનો આતંક યથાવત છે. ક્યારેક વાહનચાલકો તો ક્યારેક રસ્તે જતા રાહદારીઓને પકડી બચકાં ભરતાં આ કપિરાજના ત્રાસમાંથી છૂટકારો મેળવવા માટે લોકોએ વનવિભાગને વિનવણી કરી, વનવિભાગ પણ વાનરને પકડવા ફિલ્ડિંગ ભરે છે. પરંતુ ચબરાક કપિરાજ પાંજરે પુરાતા નથી. ત્યાં ગુરુવારે વધુ ચાર વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પાનેશ્વર દૂધમંડળીના સંચાલકને પણ બચકું ભરી લીધું હતું. તો એક જણાના ઘરમાં ઘૂસી દાદર પરથી ઊતરતા પારસ મોદી ઉપર પણ કૂદકો માર્યો હતો. જ્યારે અન્ય બે જણાને પણ નિશાન બનાવ્યા હતા. ત્રણ દિવસમાં કપિરાજે દસથી વધુ લોકો ઉપર હુમલો કરતાં લોકો ડરના માર્યા હવે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.

આવા સંજોગોમાં જે લોકોને કામગીરી હોય એમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગુરુવારે ઘાયલ ચાર લોકોને સારવાર માટે ખસેડાયા હતા. હાલમાં વનવિભાગની ટીમ કપિરાજને પકડવા બે દિવસથી પાંજરું લઇ વાંકલ ગામમાં ફરી રહી છે. અને ગુરુવારે ગન પણ લાવ્યા હતા. પરંતુ ચાલક કપિરાજ ગન જોઈને ભાગી જાય છે. આવી જ એક ઘટનામાં વાંકલના મનસુખ કોથળાવાલાના ઘર પર બેસી વાનર આવતા-જતાં લોકોને જોઈ રહ્યો હતો. અને લાગ જોઈને બેઠેલી વનવિભાગની ટીમે ગન ફાયર કર્યુ તો ચબરાક વાનર વાંકો વળી ભાગી છૂટ્યો હતો. જ્યાં સુધી કપિરાજ નહીં પકડાય ત્યાં સુધી લોકોમાં ભય ઓછો થશે નહીં.

કપિરાજ લગ્નના મંડપમાં પણ પહોંચી ગયા, એકને બચકું ભર્યુ
વાંકલમાં હાલ લગ્નસિઝન ચાલી રહી છે. ત્યારે વાનરના રોજિંદા હુમલાની ઘટનાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વાંકલના બાલુભાઈ ચૌધરીની દીકરીનાં બે દિવસ બાદ લગ્ન હોવાથી મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે કપિરાજ મંડપમાં ઘૂસી ગયા હતા. અને એક વ્યક્તિને બચકું ભરી લીધું હતું. જેને તેને સારવાર માટે ખસેડાયો હતો.

સમોસા લેવા ગયેલા કારીગર ઉપર હુમલો
વાંકલ બજારમાં આવેલી લક્ષ્મી હોટલનો કારીગર ગણેશ વસાવા માલિકના ઘરે સમોસા લેવા માટે ગયો હતો. દરમિયાન સવારે 9-30 વાગ્યાના અરસામાં કપિરાજે તેમના ઉપર એકાએક કૂદકો મારી દીધો હતો. અને પગના ભાગે પકડી લેતાં ગણેશે તેને હાથ વડે હડસેલવાનો પ્રયાસ કર્યો તો હાથમાં બચકું ભરી લીધું હતું. આથી લોહીલુહાણ થતાં તેને વાંકલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને 5થી 6 ટાંકા આવ્યા હતા.

Most Popular

To Top