SURAT

રાજસ્થાનમાં રહેતી પ્રેમિકાએ વિડીયો કોલ નહીં ઉપાડતા સુરતમાં પ્રેમીએ કર્યું આવું કામ

સુરત(Surat) : પ્રેમિકાએ (GirlFriend) વિડીયો કોલ (VideoCall) નહીં ઉપાડતા રાજસ્થાની (Rajashthani) યુવકે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી આપઘાત (Sucide) કરી લીધો હોવાનો બનાવ સુરતમાં બન્યો છે. ભીમરાડના સિદ્ધિ એલિસિસ નામના નવ નિર્મિત કોમ્પલેક્સમાંથી મોતની છલાંગ મારનાર મોહન ભગોરા વિધુર પિતાનો એકનો એક દીકરો અને વૃદ્ધા અવસ્થાનો સહારો હતો. મૃતક યુવકના પિતરાઈ ભાઈના જણાવ્યા અનુસાર યુવતી પણ રાજસ્થાનની વતની અને મોહનના ઘરથી 10 કિલો મીટર દૂર રહે છે. બે વર્ષથી મોહન તેને ખૂબ જ પ્રેમ કરતો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના રવિવારની રાત્રે લગભગ 8:40 વાગ્યાની હતી. એક યુવકે ભીમરાડના સિદ્ધિ એલિસીસ નામના બિલ્ડીંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો હોવાનો કોલ મળતા ઘટના સ્થળે દોડી ગયા હતા. તપાસ કરતા મરનાર મોહન રત્નાભાઈ ભગોરા હોવાનું અને માતાના મૃત્યુ બાદ વિધુર પિતાનો એક નો એક દીકરો હોવાનું સામે આવ્યું હતું. મોહન 20 દિવસ પહેલા જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. માતાના મૃત્યુ બાદ પિતાને આર્થિક રીતે મદદ કરવા મોહન સુરતમાં ટાઇલ્સ બેસાડવાનું કામ કરતો હતો.

બાપુલાલ (પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે, મોહન બે વર્ષથી રાજસ્થાનમાં જ રહેતી યુવતીના પ્રેમમાં હતો. ઘરથી 10 કિલો મીટર દૂર રહેતી હતી. રવિવારની રાત્રે યુવતીએ વિડીયો કોલ પર વાત નહીં કરું એમ કહ્યા બાદ પણ મોહને વિડીયો કોલ કર્યો હતો. જે કોલ તેની પ્રેમિકાએ નહીં ઉપાડતા મોહનને માથું લાગી આવ્યું હતું અને માનસિક રીતે હતાશ થઈ આવું પગલું ભર્યું હતું.

રૂમ પાર્ટનર મિત્રો એ કહ્યું હતું કે સુરત આવ્યા બાદ મોહન સમય મળે એટલે ફોન પર પ્રેમિકા સાથે વાત કરતો હતો. રવિવારની રાત્રે પણ વાત કરતો હતો. ચાર પૈકી બે મિત્રો ભોજન બનાવવાની તૈયારી કરતા હતા. ત્યારે બીજા બે મિત્રો ગણેશ આરતીમાં ગયા હતા. તે દરમિયાન એકલો હતો ત્યારે મોહને આવું પગલું ભર્યું હતું. જોરદાર ધડાકા સાથે કઈક પડ્યું હોવાનો અવાજ આવતા મિત્રો દોડી ગયા હતા. જ્યાં મોહન લોહીલુહાણ હાલતમાં પડેલો મળી આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર મોહને આપઘાત કરવા પહેલા પ્રેમિકાને કરેલા મેસેજ અને વીડિયો કોલની તમામ માહિતી ફોનમાંથી મળી આવી હતી. એટલું જ નહીં પણ જો તું વિડીયો કોલ નહીં ઉપાડે તો હું લાઈવ કરી આપઘાત કરવાના ઇરાદે કૂદી પડીશ એવી વાત કે મેસેજ પણ ફોનમાંથી મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોહને કરેલા આપઘાતનો લાઈવ વિડીયો પણ બન્યો હોય એ વાત ને નકારી શકાય નહીં. હાલ પોલીસે મોહનનો મોબાઇલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top