ડોલવણ: ડોલવણ તાલુકાના ગડત ગામે મિશન ફળિયામાં રહેતા અંકુર બીપીન ગામીતે સને ૨૦૨૧ના ઓગસ્ટથી ચાલુ વર્ષની તા.૧૯/૦૨/૨૦૨૩ દરમિયાન ડોલવણની નર્સિંગ કરતી ૨૩ વર્ષિય યુવતી સાથે મિત્રતા કરી લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ તેણીનાં મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધતાં અંકુર ગામીત વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંકુરે “બીજી છોકરી સાથે સગાઇ નક્કી થયેલ છે, જેથી હું તને રાખી શકું નહીં’ તેવું કહી લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી આ મામલો પોલીસમથકે (Police Station) પહોંચ્યો હતો.
વ્યારામાં નર્સિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ૨૩ વર્ષિય યુવતી સાથે સને-૨૦૨૦ના ડિસેમ્બરમાં આ અંકુર ગામીતની ઇન્સ્ટાગ્રામ એપ ઉપર ઓળખ થઈ હતી. દોઢેક મહિના પછી અંકુર આ યુવતીને ‘તું મને ગમતી છે, હું તારી સાથે લગ્ન કરવાનો છું’ મેસેજ કરી યુવતીને પ્રપોઝ કર્યુ હતું. યુવતીને પણ અંકુર ગમતો હોવાથી હા પાડી હતી. અંકુર વ્યારા સ્ટેશન રોડ ઉપર શ્રીજી મેડિકલમાં કામ કરતો હોવાથી તેની સાથે અવરજવર મળતો હતો. આ યુવતી સુરતમાં નર્સિંગ તાલીમ માટે ગઈ હતી, ત્યારે સને-૨૦૨૧ના ઓગસ્ટમાં અંકુરે વ્યારા નવા બસ સ્ટેન્ડ પાસે આદર્શ ગેસ્ટ હાઉસમાં શરીર સંબંધ બાંધ્યો હતો, પછી આશરે પંદરેક દિવસમાં અંકુર રાત્રિના સમયે ગામનાં ખેતરોમાં એકાંતમાં લઇ જઈ તેની સાથે શરીર સબંધ બાંધતો હતો. તા.૨૪/૦૧/૨૦૨૩ના રોજ સોનગઢ ઓટા ચાર રસ્તા બ્રિજ પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં તેમજ તા.૧૮/૦૨/૨૦૨૩ના રોજ વ્યારાના જૂના બસ સ્ટેન્ડ પાસે આરામ ગેસ્ટ હાઉસમાં અંકુરે લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
પ્રેમિકાને મળવા બાબતે વઘઇનાં યુવાનને બોલાવી યુવતીના ભાઈએ માર માર્યો
સાપુતારા: ડાંગ જિલ્લાનાં વઘઇ નગરનાં યુવાનને પ્રેમિકાને મળવા બાબતે માર મારતા વઘઇ પોલીસ મથકે બે ઈસમો સામે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાનાં વઘઇનાં રાજેન્દ્રપુરમાં રહેતા હાર્દિક દિનેશભાઇ સૂર્યાનો પ્રેમસંબધ બારખાંદિયા ગામની એક યુવતી જોડે હોવાથી તેઓ બંને છેલ્લા બે વર્ષથી ફોન પર વાતચીત કરતા હતા. ગતરોજ હાર્દિક સૂર્યા અને મિત્ર નરેન્દ્ર મોટરસાયકલ પર સવાર થઈ ભુરભેંડી થઈ રાત્રીનાં અરસામાં બારખાંદીયા ગામે પહોંચ્યા હતા. ત્યારે રાત્રીના સમયે હાર્દિકે તેની પ્રેમિકાને ફોન કરી ઘરેથી થોડે દુર આંબાનાં વૃક્ષ પાસે મળવા બોલાવી હતી અને આ બન્ને પ્રેમી પંખીડા રોડ સાઈડે વાતો કરતા હતા, ત્યારે મિત્ર નરેન્દ્રભાઈ આંગણવાડી પાસે ઉભો હતો.
આ દરમિયાન પ્રેમિકાનો ભાઈ વિશાલ ત્યાં આવી પોંહચ્યો હતો અને બહેનને બે-ત્રણ લાફાં મારી આ યુવાનને લાકડાનાં દંડા વડે ફટકારી ઢીકા મૂકીનો માર માર્યો હતો. ત્યાર બાદ પ્રેમિકાનાં ભાઈએ પિતાને બોલાવી લઈ વધુ માર મારી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. તથા બચાવવા આવેલા ફોઈનાં દીકરાની ગાડીનો કાચ પણ ફોડી નાખ્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાને પ્રેમિકાનાં ભાઈ વિશાલભાઈ સંતુભાઈ બિરારી તથા પિતા સંતુ બિરારી સામે વઘઇ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.