Dakshin Gujarat

વ્યારામાં બાળકોના હક્કનું કહેવાતું દૂધ નદીમાં ફેંકી દેવાયું

વ્યારા: વાલોડના તીતવા ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદી કિનારેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને (Student) આપવામાં આવતા સંજીવની દૂધની (Milk) હજારો કોથળીઓ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારી અને આઇસીડીએસનાં અધિકારી જવાબદારીનો ટોપલો એકબીજાના શિરે ઢોળતા નજરે પડ્યા છે. જો કે, બાળકોના હક્કનું કહેવાતું આ દૂધ નદીમાં ફેંકી કેમ દેવાયું ? આ દૂધનો ખર્ચ સરકારી તિજોરીમાં નાંખવામાં આવ્યો હશે કે કેમ ? કે પછી બાળકોનાં નામે દૂધની ફાળવણી થયા પછી દૂધ બગડતા સરકારી આંકડા દર્શાવી તેનો જથ્થો તંત્રનાં મેળાપીપણામાં બારોબાર વગે કરી દેવાયો ? અહીં તંત્રની લોક સુરક્ષા મામલે પણ ગંભીર બેદરકારી બહાર આવી છે. દૂધનાં આ પાઉચો નદીમાંથી દૂર કરવાની તસદી પણ લેવાઈ નથી.

તાપી જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં બાળકો, આદિવાસી સગર્ભા મહિલાઓને પોષણયુક્ત ખોરાક મળી રહે એ માટે ગુજરાત સરકારની યોજના હેઠળ સંજીવની દૂધનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. વાલોડ તાલુકના તીતવા ગામના આશ્રમ ફળિયા નજીક મીંઢોળા નદી પર બનેલા ચેકડેમમાં હજારોની સંખ્યામાં આ સંજીવની દૂધ ભરેલી કોથળીઓ મળી આવી હતી. આ દૂધની કોથળીઓ જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. વાલોડ સંકલિત બાળ વિકાસ અધિકારીને જાણ થતા તેઓ સ્થળ પર તપાસ અર્થે પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયત સાથે મળી સ્થળ પર રોજકામ કર્યું હતું, જેમાં આ દૂધની કોથળીઓ પ્રાથમિક શાળાનાં બાળકોને આપવામાં આવતા દૂધની હોવાનું જાણવા મળ્યું છે. નદીમાં લાંબા સમયથી પડેલું આ દૂધ બગડી ગયેલ દુર્ગંધ મારતું હોય નદી કિનારે વસવાટ કરતાં લોકો, કોઇ બાળક કે પશુ આ દૂધને આરોગે તો જીવલેણ ઘટના બને તેવી ગંભીર બાબત હોવાનું જણાઈ આવ્યું છે.

સરપંચ પરભુ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ દૂધની કોથળીઓ નેશનલ હાઇવે નં.૫૩ પર બાજીપુરા પાસે મીંઢોળા નદીના બ્રિજ પરથી ફેંકવામાં આવી છે. આ દૂધનું પેકિંગ ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહનું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ દૂધ કોણ, ક્યારે અને કેમ ફેંકી ગયું, તેનું કારણ હજુ જાણી શકાયુ નથી. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ ચૌધરીનો સંપર્ક કરતાં તેમણે આઇસીડીએસનું દૂધ હોવાનું કહી જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા. તેઓ આ દૂધનો સપ્લાય કઈ એજન્સી કરે છે તેનું નામ સુધ્ધાએ જાણતા ન હોવાનું જણાવ્યું હતું. જો કે, ટીપીઓને તપાસ કરવા મૌખિક આદેશ કર્યાનું જણાવી જ્યારે આઇસીડીએસનાં અધિકારી તન્વી પટેલે આ દૂધનું પેકિંગ પ્રાથમિક શાળામાં અપાતા દૂધનું હોવાનું તેમજ આગંણવાડીનાં બાળકોને અપાતા દૂધનું પેકિંગ જૂદું હોવાનું જણાવ્યું હતું.

જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ
વ્યારા: ગુજરાત સરકાર એકતરફ કરોડોના ખર્ચે બાળકોને પોષણક્ષમ તત્ત્વો મળી રહે તેવા ભગીરથી આશયથી સંજીવની દૂધ પૂરી પાડી રહી છે, ત્યારે સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીના પાપે વિદ્યાર્થીના પેટમાં આ દૂધ જવાને બદલે નદીમાંના પટમાં ફેંકી દેવાયું છે, ત્યારે આને લઇ અનેક તર્કવિતર્કો ઊભા થાય છે, બાળકોના હક્ક પર તરાપ મારનારા જવાબદારો સામે સરકાર કડક પગલાં લે તેવી માંગ ચારેકોરથી ઊઠી છે.

Most Popular

To Top