Dakshin Gujarat

‘આ અમારું ગામ છે, લગ્નમાં નાચતી વખતે કેમ દાદાગીરી કરતા હતા?’ કહી ત્રણ પર હુમલો

ભરૂચ: ઝઘડિયાના અવિધા ગામે લગ્નમાં (Marriage) નાચતી વખતે ધક્કો વાગી જતાં આ બાબતે ઝઘડો થયો હતો. ઘટનામાં કુલ ચાર ઇસમ સામે રાજપારડી (Rajpardi) પોલીસમથકે (Police) ફરિયાદ લખાવવામાં આવી હતી. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.14મીના રોજ અવિધા ગામે એક લગ્નનો પ્રસંગ હોવાથી રાજપારડીનો કાર્તિક લલીન્દ્રભાઇ વસાવા નામનો યુવક તેના ખડોલી ગામના બે મિત્રો જયેન્દ્ર રાજેશ વસાવા તેમજ આશિષ રમેશ વસાવા સાથે અવિધા ગામે લગ્નમાં ગયો હતો. લગ્નના આ પ્રસંગમાં જમ્યા બાદ રાતના અગિયારેક વાગ્યે નાચગાન ચાલુ થયું હતું. લગ્નમાં નાચગાનના કાર્યક્રમમાં બધા નાચતા હતા, ત્યારે અવિધા ગામના રોહિત મંગા વસાવાથી જયેન્દ્રને ધક્કો વાગી ગયો હતો.

  • અવિધા ગામે એક લગ્નનો પ્રસંગ હોવાથી ડીજે પાર્ટી રાખવામાં આવી હતી
  • જમ્યા બાદ રાતના અગિયારેક વાગ્યે નાચગાન ચાલુ થયું હતું
  • નાચતી વખતે કેમ દાદાગીરી કરતા હતા તેમ કહી માર માર્યો હતો

નાચતી વખતે કેમ દાદાગીરી કરતા હતા તેમ કહી માર માર્યો હતો
આ બાબતે કાર્તિકે રોહિતભાઇને કહ્યું કે, તમે શાંતિથી નાચો અમને ધક્કા વાગે છે. આ સાંભળીને રોહિત અને તેની સાથેના અન્ય ત્રણ ઇસમ ગાળો બોલવા લાગ્યા હતા. દરમિયાન અન્ય લોકોએ વચ્ચે પડીને ઝઘડો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ રાતના પોણા બારેક વાગ્યાના અરસામાં કાર્તિક અને તેના મિત્રો હાઇસ્કૂલ તરફ ચાલતા જતા હતા ત્યારે રોહિત મંગાભાઇ વસાવા, જશવંત રમેશ વસાવા, મિતેશ સોમા વસાવા અને લાલુ હિરાભાઇ વસાવા રસ્તામાં ઊભા હતા. આ લોકોએ નજીક જતાં કહ્યું હતું કે, આ અમારું ગામ છે, નાચતી વખતે કેમ દાદાગીરી કરતા હતા? ચૂપચાપ જતા રહેવાનું, નહીં તો તમને ત્રણેયને જાનથી મારી નાંખીશ. આ બાબતે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન એ લોકો કાર્તિક અને જયેન્દ્રને માર મારવા લાગ્યા હતા.

તમામ વિરૂધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી
ઝઘડા દરમિયાન જયેન્દ્રને પાઇપનો સપાટો વાગતાં તે ઇજાગ્રસ્ત થયો હતો તેમજ કાર્તિકને માથાના ભાગે ધારિયાનો ઊંધો ભાગ વાગી ગયો હતો. ઇજાગ્રસ્ત ઇસમોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે કાર્તિક લલીન્દ્ર વસાવા (રહે.,રાજપારડી)એ રોહિત મંગાભાઇ વસાવા, જશવંત રમેશભાઇ વસાવા, મિતેશ સોમા વસાવા તેમજ લાલુ હિરાભાઇ વસાવા વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Most Popular

To Top