Columns

મારી મમ્મી માટે નવો ડ્રેસ

એક ગરીબ વિધવા પતિના મૃત્યુ બાદ આજુબાજુના બંગલામાં કામ કરીને પોતાના એક ના એક દસ વર્ષના દીકરાને બહુ કઠિનાઈ સાથે ઉછેરી રહી હતી.તેની ઈચ્છા દીકરાને ભણાવીને જીવનમાં આગળ વધારવાની હતી, દીકરો પણ ભણવામાં હોશિયાર હતો.પણ આજે તેની શાળામાંથી ફરિયાદ આવી હતી કે તે રોજ ગંદા કપડા સાથે શાળામાં આવે છે અને રોજ મોડો આવે છે.વિધવા આ સાંભળીને દુઃખી થઈ ગઈ; તેણે પોતાના એક ના એક દીકરાને બહુ માર માર્યો અને પછી તે પણ બહુ રડી. પણ માર ખાધા પછી પણ બાળક સુધર્યો નહિ તે રોજ શાળામાં મોડો જ પહોંચતો.

શિક્ષક રોજ સજા કરતાં તે સજા સહન કરતો પણ સુધરતો નહિ.તે રોજ મોડો શું કામ આવે છે તે જાણવાનું શિક્ષકે નક્કી કર્યું.શિક્ષક પોતે બાળકના ઘર પાસે પહોંચી ગયા.અને છુપાઈને જોયું કે બાળક ઘરેથી તો સાફ યુનિફોર્મ પહેરીને અને દફતર લઈને નીકળ્યો પણ શાળાની દિશામાં જવાને બદલે બજારની દિશામાં ચાલવા લાગ્યો.બજારમાં જઈને એક કપડાની દુકાનમાં તેણે પોતાનું દફતર મુક્યું અને તેના માલિકને પૂછ્યું, ‘સાહેબ આજે કઈ કામ છે ??’ દુકાનદારે કહ્યું, ‘ના ના અહીં કઈ કામ નથી.જા આજુબાજુમાં શોધ.’

બાળક બીજું કઈ બોલ્યા વિના આજુબાજુની દુકાનમાં કામ માંગવા દોડી ગયો અને જે દુકાનમાં કામ મળ્યું તે મજુરીનું કામ ,ડબ્બા ગોઠવવાનું કામ , ઝાડુ કાઢવાનું કામ કરવા લાગ્યો…..અડધો પોણો કલાક તેને સતત કામ કર્યું અને શિક્ષક આ બધું છુપાઈને જોતા રહ્યા અને પોતે રોજ આ બાળકને સજા કરતા, માર મારતાં તે વાત પર મનોમન અફસોસ કરવા લાગ્યા. શિક્ષક ધીમેથી પેલા કાપડની દુકાનમાં જ્યાં બાળકે દફતર મુક્યું હતું ત્યાં ગયા અને દુકાનદાર સાથે વાત કરી; દુકાનદારે કહ્યું, ‘સહેબ આ બાળક ગરીબ છે  પણ મહેનતુ છે છેલ્લા બે મહિનાથી રોજ શાળામાં જવા પહેલા અહીં આવે છે; જે કામ મળે તે કરે છે અને મજુરીના પૈસા અહીં મારી પાસે જમા કરાવે છે.’ એટલીવારમાં બાળક હાથમાં થોડા પૈસા લઈને દોડતો આવ્યો અને દુકાનદારને આપ્યા.ત્યાં તેની નજર દુકાનદારની બાજુમાં ઉભેલા તેના શિક્ષક પર પડી.તે ડરી ગયો આજે શિક્ષક અહીં જ માર મારશે અને બધું મમ્મીને કહી દેશે.

તે રડતા રડતા બોલવા લાગ્યો, ‘સાહેબ ભલે મને મારો પણ મારું કામ બંધ ન કરાવતા…’ શિક્ષક પ્રેમથી તેની પાસે આવ્યા, ટેબલ પર બેસાડ્યો અને પાણી આપ્યું.પછી પૂછ્યું, ‘તું આ મજુરીના કામ શું કામ કરે છે??’ બાળક બોલ્યો, ‘સાહેબ આવતા મહીને મારી મમ્મીનો જન્મદિવસ છે.મારા જન્મદિવસે તે મને જાતે સીવેલા નવા કપડા પહેરાવે છે પણ તેના બધા કપડા ફાટી ગયા છે તે પોતાનો જન્મદિવસ યાદ પણ નથી કરતો પણ મારે આ વર્ષે મારી મમ્મીને નવો ડ્રેસ આપવો છે એટલે રોજ મજુરી કરી અહીં પૈસા જમા કરાવું છું તેના જન્મદિવસ પર તેને હું ડ્રેસ આપીશ.’ શિક્ષકે બાળકની વાત સાંભળી તેને તેડી લીધો અને બોલ્યા, ‘તારા જેવો દીકરો ધરાવતી મા ગરીબ નથી.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top