વાપી : વાપીના ચલા-દમણ રોડ પર રાત્રિ દરમિયાન વલસાડ એલસીબીની ટીમે નાઈટ પેટ્રોલિંગ કરતાં દમણથી જામનગર તરફ લઈ જવાતો રૂ.5.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકચાલક અને તેના સાથીદારની ધરપકડ કરી અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર શનિવારે રાત્રે 11 કલાકે વલસાડ એલસીબીની ટીમ વાપીના ચલા-દમણ રોડ પર નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન દમણથી આવતી ટ્રકને અટકાવી તલાશી લેતાં ગેરકાયદે દારૂના 90 બોક્સ જેમાં બોટલ નંગ 1080 કિં. 5,40,000નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક મોયુદ્દીન અબ્દુલ સફિયા અને મહેશ કનૈયા પંજવાણીની ધરપકડ કરી રૂ.10 લાખની ટ્રક, રૂ.5,40,000 નો દારૂ અને રૂ.500નો મોબાઈલ મળી કુલ રૂ.15,40,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દમણથી દારૂ ભરાવનાર કાનો માલધારી ઉર્ફે રાજુ, સંજય ક્લિનર અને હાજી સુલતાન અમરોલિયા ડ્રાઈવર (રહે.જામનગર)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ વાપી ટાઉન પોલીસને સોંપી છે.
સ્પા અને ડ્રગ્સ, ગાંજો અને ચરસ જેવા દૂષણો સામે કાર્યવાહીની માંગ
સુરત: શહેરમાં કપલ બોક્સ નામનું દૂષણ સતત વધી રહ્યું છે. કપલ બોક્સના નામે ગેરકાયદે અનૈતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે પાસોદરામાં બનેલી ઘટના બાદ સમાજના અગ્રણી અને વિવિધ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કરતા સોમવારે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. હિંદ મરાઠા મહાસંઘ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય ગૌ-સેવા પરિષદ, ઇન્ડિયા હેલ્થ લાઈન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત તમામે સી.પી.ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શહેરના અગ્રણીઓ દ્વારા કામરેજ પાસોદરા ખાતે બનેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુરત પોલીસ દ્વારા શહેરમાં અસામાજીક તત્વો અને ગેરપ્રવૃત્તિઓ ફૂલેફાલે નહીં તે માટેના પ્રયત્નનો ચાલી રહ્યાં છે. પાસોદરા ખાતે બનેલી હત્યાની ઘટનામાં રાજ્ય ગૃહમંત્રીએ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ જરૂરી સુચનો આપ્યા છે. શહેરના પાનના ગલ્લા ઉપર નશીલા પદાર્થોનું વેચાણ થાય છે કે કેમ તે અંગે પણ સઘન ચકાસણી કરવામાં આવશે. સુરતના પાસોદરા ગામમાં લક્ષ્મીરામ સોસાયટીમાં ગ્રીષ્મા નામની કોલેજિયન યુવતીની તેના જ સાથી મિત્ર અને એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ ઉર્ફે પંકજ દ્વારા સરાજાહેર હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર સુરત શહેરને ઝંઝોડી નાખ્યું છે ત્યારે હત્યારો ગેરકાયદેસર કપલ બોક્સ ચલાવતો હોવાના કારણે આવી ઘટનાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.