નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી દેશમાં ફેલાઈ રહી છે ત્યારે છેલ્લાં કેટલાંક દિવસોમાં બોલિવુડની અનેક સેલિબ્રિટી આ રોગની ચપેટમાં આવી ચૂક્યા છે. આજે સિંગર લતા મંગેશકર પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. લતા મંગેશકરના કોરોનાના હળવાં લક્ષણો દેખાતા તેમને મુંબઈની બ્રિચ કેનડી હોસ્પિટલના ICUમાં એડમિટ કરવામાં આવ્યા છે.
જો કે હવે લતા મંગેશકરની તબિયત સારી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. લતા મંગેશકરની ભાણેજ રચનાએ આ વાતની જાણકરી આપતા કહ્યું કે હવે ‘તેમની તબિયતમાં સુધાર છે. ઉંમરને કારણે સાવચેતીના ભાગરૂપે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે મહેરબાની કરીને અમારી પ્રાઇવસી જાળવો અને દીદી માટે પ્રાર્થના કરો.’
બોની કપૂર અને જાહન્વી કપૂર પણ ક્વૉરન્ટીન
આ અગાઉ બોલિવુડ સ્ટાર જાહન્વી કપૂરની નાની બહેન ખુશી કપૂર કોરોના પોઝિટિવ આવતા તે હાલમાં હોમ આઇસોલેશનમાં છે. તથા બોની કપૂર પણ ક્વૉરન્ટીન છે. નોંધનીય છે કે બોની કપૂરનો મોટો દીકરો અર્જુન તથા દીકરી અંશુલાને પણ કોરોના થયો હતો. તે બંનેનો રિપોર્ટ હાલમાં જ નેગેટિવ આવ્યો છે. હૃતિક રોશનની એક્સ-વાઇફ સુઝાન ખાનને પણ કોરોના થયો છે. સુઝાન ખાનને કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે ‘બે વર્ષ સુધી કોવિડ 19નો સામનો કર્યા બાદ ત્રીજી વર્ષે એટલે કે 2022માં ઓમિક્રોન વેરિયન્ટ મારી ઇમ્યુન સિસ્ટમમાં આવી ગયો છે. ગઈ કાલે રાત્રે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને સલામત રહો અને પોતાનું ધ્યાન રાખો. આ ઘણો જ ચેપી છે.’