Madhya Gujarat

આણંદમાં ત્રણ વર્ષમાં 9.5 કરોડનો વિદેશી દારૂ પકડાયો

આણંદ : આણંદમાં છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસે વિવિધ કાર્યવાહીમાં સાડા નવ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. આ દરોડામાં પોલીસ પાસે વિવિધ બ્રાન્ડની કુલ 3.72 લાખ બોટલ પડી છે. કોરોના કાળમાં જ્યારે લોકો જીવન જરૂરિયાત ચીજ વસ્તુ માટે દોડધામ કરતાં હતાં, ત્યારે શોખીનો યેનકેન પ્રકારે દારૂ મેળવવાના રસ્તાઓ શોધી રહ્યાં હતાં.  આણંદ શહેર સહિત જિલ્લામાં ગેરકાયદે દારૂનો વેપલો એ મોટી વાત નથી. તેમાંય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વના ધોરી માર્ગ એક્સપ્રેસ હાઈવે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે પરથી દરરોજ ટનબંધ કન્ટેનર કે કારમાં દારૂની હેરાફેર થતી રહી છે.

જોકે, વાહન ચેકીંગ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા આવા વાહનો પકડી પાડવામાં આવે છે. તેવી જ રીતે આણંદ જિલ્લામાં પણ બુટલેગરો દ્વારા નાના મોટા વેપલા સતત ચાલુ હોય તેના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આણંદ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં સાડા નવ કરોડ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત બિયર, દેશી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યાં છે. જિલ્લા પોલીસને બાતમી મળે તે સમયે કાર્યવાહી કરાતી હોય છે.

કોરોના કાળમાં પણ દારૂનો વેપલો ચાલુ જ હતો
કોરોનાકાળ દરમિયાન લોકડાઉન સમયે સખત પોલીસનો પહેરો હતો. જોકે, લોકડાઉન જેવું હળવું પડ્યું તેવું બુટલેગરો સક્રિય થઇ ગયાં હતાં અને ખેપ મારવાનું શરૂ કરી દીધું હતું. જોકે, ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો લાગુ પડતાં દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવવામાં આવે છે. ખાસ કરીને ખેતી પાકોની આડમાં, માલસામાન નીચે કે કન્ટેનરમાં ગુપ્ત ખાનુ બનાવી દારૂ ઘુસાડવાના પ્રયત્ન સતત થતાં રહે છે.

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ વરસમાં પકડાયેલો દારૂ
વર્ષ       વિદેશી દારૂ રૂ.    બોટલ નંગ      દેશી દારૂ રૂ.    લીટર       બિયર રૂ.     બોટલ

2019     2,61,50,680     95,169          2,37,660       11,883    3,92,147     3,449
2020     3,11,31,470     1,25,129       3,23,900       16,195    6,81,866     6,600
2021     3,71,85,888     1,52,721       3,83,540       19,177    9,97,835     8,860

શિક્ષણધામને પણ બુટલેગરોએ નથી છોડ્યું
વિદ્યાનગર શિક્ષણધામ તરીકે વિશ્વ વિખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોસ્ટેલ કે રૂમ ભાડે રાખી રહે છે. જોકે, આ યુવા વિદ્યાર્થીઓ પર બુટલેગરોની સતત નજર રહેતી હોય છે. તેઓ યેનકેન પ્રકારે વિદ્યાર્થીઓને લતે ચડાવી પોતાનો વેપલો ચાલુ કરી દે છે.

Most Popular

To Top