ડ્રગ્સ આપીને 3 છોકરીઓ સાથે 7 વખત ગેંગરેપ, સગીર સહિત 4 આરોપીની ધરપકડ

બ્રિસ્બેન: ઓસ્ટ્રેલિયા (Australia)ના બ્રિસ્બેન (Brisbane) શહેરમાં છોકરીઓ સાથે ક્રૂરતાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 16 વર્ષિય સગીર પણ 3 આરોપીઓની સાથે સંડોવાયેલો છે. આ નરાધમોએ ત્રણ છોકરીઓને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું અને છેતરપિંડી કરી તેમને ડ્રગ્સ આપી હતી અને પછી કથિત રીતે ગેંગરેપ કર્યો હતો જેમાં સગીર સહિત ચારે આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડેઇલી મેલમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, ચારેય લોકોએ એક બે નહિ પણ કુલ 7 વખત આ 3 છોકરીઓ સાથે ગેંગરેપ કર્યો હોવાનો આરોપ છે. આરોપીઓને શનિવારે બ્રિસ્બેન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને જામીન મળ્યા ન હતા. કોર્ટે આરોપીને વધુ તપાસ હેતુ પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

દરોડા બાદ આરોપી ઝડપાયા

ઉલ્લેખનીય છે કે ક્વીન્સલેન્ડ પોલીસ (Police) સાથે ગુરુવારે ક્રાઈમ એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ સાથે દક્ષિણ બ્રિસ્બેનમાં આરોપીઓના અડ્ડાઓ પર દરોડા પાડયા હતા જેમાં ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે તમામ ચાર આરોપીઓમાંથી એક આરોપી નાબાલિક છે, જો કે આરોપીની ઉંમર 24, 21, 20 અને 16 વર્ષ હોય પોલીસે તમામને પોલીસ કસ્ટડીમાં લઇ અલગ-અલગ પુછપરછ આરંભી છે.

પાર્ટીમાં 7 વખત કર્યો હતો ગેંગરેપ : પીડિતાએ વર્ણવી આપવીતી

પીડિતાની ફરિયાદ મુજબ આરોપીએ યુવતીઓને ઘરેલુ પાર્ટીમાં બોલાવી હતી જેમાં સામાન્ય રીતે છોકરા છોકરી ભેગા મળીને મસ્તી માણતા હોય છે, પણ આ ત્રણે છોકરીઓ તેમના શરીર સુખ માણવાના ઈરાદાથી અજાણ હતી, અને અચાનક તેમને ડ્રગ અપાવવાનું શરૂ કર્યું હતું. જેમાં તેમને મિત્રતાની લાગણી બતાવી ફસાવી પણ હતી અને આખરે જાતીય હિંસાનો શિકાર બનાવી હતી. જેથી તેમના બેહોશીના સમયનો લાભ ઉઠાવી પાર્ટીમાં જ આ ચારેય નરાધમોએ અંદાજે 7 વખત આ છોકરીઓ પર દુષ્કર્મ આચર્યું હતું.

ડિસેમ્બર 2020 માં પીડિતાએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી અને હાલ તમામ આરોપીની ધરપકડ કરી હતી. જો કે હજી અનેક કડીઓ મળતા પોલીસ હજુ પણ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસે અપીલ કરી છે કે જો કોઈને આ મામલે કોઈ માહિતી મળી હોય તો તે ચોક્કસપણે પોલીસ સાથે શેર કરે.

Related Posts