Sports

6 વાર વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે બોક્સિંગમાંથી લીધી નિવૃત્તિ

ગુવાહાટી: છ વાર વર્લ્ડ ચેમ્પિયન (World champion) અને 2012ની ઓલિમ્પિક મેડલ (Olympic Medal) વિજેતા મેરી કોમે બુધવારે બોક્સિંગમાંથી (Boxing) નિવૃત્તિની જાહેરાત કરી હતી. એક ઈવેન્ટ દરમિયાન 41 વર્ષીય કોમે કહ્યું હતું કે તેને હજી પણ તેણીને રમવાની ભૂખ છે, પરંતુ ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના નિયમોના કારણે તેણીએ નિવૃત્તિ લેવાની ફરજ પડી છે.

મેરી કોમ હવે 41 વર્ષની છે અને ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA) પુરૂષ અને મહિલા બોક્સરોને માત્ર 40 વર્ષની ઉંમર સુધી જ રમવાની મંજૂરી આપે છે. આ કારણે મેરી કોમે એક ઈવેન્ટમાં કહ્યું હતું કે મને હજુ પણ એલિટ સ્પોર્ટ્સમાં લડવાની અને જીતવાની ભૂખ છે. હું વધુ રમવા માંગુ છું. પરંતુ મારી ઉંમરને કારણે મને રમવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. હું લાચાર છું. તેમજ કમનસીબ છું. મારે નિવૃત્તિનો નિર્ણય લેવો પડ્યો છે. જોકે સદભાગ્યે મેં મારી કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે.

મેરી કોમે બોક્સિંગ ઈતિહાસમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. મેરી કોમ વિશ્વની પ્રથમ મહિલા બોક્સર છે જેણે છ વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. આ સાથે જ મેરી કોમ 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા છે. તેણે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2006 માં મેરી કોમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા અને 2009 માં તેણીને દેશના સર્વોચ્ચ રમત સન્માન, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

ગયા મહિને ડિસેમ્બરના મધ્યમાં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લેનાર મેરી કોમે કહ્યું હતું કે હું રમવા માંગુ છું પરંતુ ઉંમરને કારણે હું તેમ કરી શકતી નથી. પરંતુ હું હજુ પણ બોક્સિંગને લગતું કંઈક કરવાનો પ્રયાસ કરીશ. હું પ્રોફેશનલ બની શકું છું પરંતુ તે હજુ સ્પષ્ટ નથી.

ત્રીજા બાળકને જન્મ આપ્યા બાદ આ ખિતાબ જીત્યો
2012 ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ મેરીએ તેના ત્રીજા બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેણી ફરી એકવાર બ્રેક પર ગઈ હતી. ત્યાર બાદ તેણીએ બોક્સિંગમાં પુનરાગમન કર્યું હતું. તેમજ દિલ્હીમાં યોજાયેલી 2018 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં યુક્રેનની હેના ઓખોટા સામે 5-0થી વિજય નોંધાવ્યો હતો. એક વર્ષ બાદ તેણીએ છઠ્ઠોમો વર્લ્ડ કપ મેડલ જીત્યો હતો.

Most Popular

To Top