Dakshin Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરના વિકાસ માટે બજેટમાં 565 કરોડ રૂપિયાની જોગવાઈ

રાજપીપળા: ગુજરાત વિધાનસભાના બજેટમાં (Assembly Budget) સ્ટેચ્યુ ઓફ યુનિટી-(Statue Of Unity) એકતા નગરના વિકાસ માટે બજેટમાં 565 કરોડ અને સરદાર સરોવર (Sardar Sarovar) યોજના માટે 5950 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વ કક્ષાની ડ્રાઈવ ઈન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ સ્થાપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરની નજીક આવતાં ગામોમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રસ્તાની તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને લગતી માળખાકીય સુવિધાઓ વિકસાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે 10 કરોડ રૂપિયાની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. એકતા નગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાંનું સંગ્રહાલય બનાવવાનું પણ આયોજન જશે.

કચ્છ શાખા નહેરોનાં બાકી કામ માટે 1082 કરોડની જોગવાઈ
કચ્છ શાખા નહેરોનાં બાકી કામ માટે 1082 કરોડ રૂપિયા, કચ્છ તેમજ સૌરાષ્ટ્ર શાખા નહેરોના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે 675 કરોડ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશન તેમજ જાળવણી માટે 178 કરોડ રૂપિયા, નર્મદા કમાંડ વિસ્તારમાં સિંચાઈના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી મહત્તમ પાક ઉત્પાદન મળે એ હેતુથી તાલીમ, નિદર્શન, ખેડૂત શિબિર, જમીનની ચકાસણી વગેરે કૃષિલક્ષી પ્રવૃત્તિઓ માટે 100 કરોડ રૂપિયાની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ગરુડેશ્વર વિયર ડેમ તેમજ વિવિધ શાખા નહેરો પર વીજ મથકની સ્થાપના, જાળવણી તેમજ મરામત માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતોના જૂના પ્રશ્નો ઉકેલી ઉપજના લાભદાયી ભાવો આપો

વ્યારા: ભારત સ્વતંત્રતાને ૭૭ વર્ષ થયા છતા કિસાનોને પોતાની ઉપજના લાભદાયી ભાવો મળતા નથી. વર્ષોની માંગણી છતાં આજદિન સુધી કિસાનોને ન્યાય મળ્યો નથી. વારંવાર સરકારોને આવેદનપત્ર આપ્યા છતાં પરિણામ શૂન્ય છે. તેવા ગંભીર આક્ષેપો સાથે ભારતીય કિસાન સંઘે ખેડૂતોના વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ લાવવા તાપી કલેક્ટરને આવેદન આપ્યું હતું.
આવેદનમાં જણાવ્યું હતું કે, કુદરતી તથા માનવસર્જીત આપદાઓમાં તંત્રની ઉપેક્ષાનો કિસાનો ભોગ બની રહ્યા છે. લાખોની સંખ્યામાં ખેતીપ્રધાન દેશના કિસાનોએ આત્મહત્યા કરી છે. ત્યારે ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ તેનો યુદ્ધના ધોરણે ઉકેલ લાવવામાં આવે. અસરગ્રસ્ત વિસ્તાર કુકરમુંડાનાં પ્રશ્નો માટે તમામ સ્તરે લેખિત-મૌખિક રજૂઆતો વારંવાર કરવા છતાં આજદિન સુધી કોઇ ઉકેલ મળ્યો નથી. અહીંના ખેડૂતો, મજૂરો, શ્રમિક, વ્યવસાયી અને વેપારીઓનું જીવનધોરણ માત્ર ને માત્ર ખેતી આધારીત છે.

ખેતીને લગતા પ્રશ્નોનો ઉકેલ ન મળતાં અહીંના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. ૮૫ % ખેડૂત આદિવાસીબંધુઓ બે ટંકનું ખાવાનું પણ જોડી શકતા નથી. દેવામાં ડૂબવાથી આત્મહત્યા સુધીના વિચારો રોજબરોજ ઉજાગર થતા હોય તે હકીકતમાં ન પરિણમે તે માટે આ આવેદન આપ્યું હોવાનું જણાવ્યું છે.

Most Popular

To Top