Columns

સેમ ઓલ્ટમેનને ચેટ જીપીટીમાંથી કેમ અચાનક હાંકી કાઢવામાં આવ્યા?

ચેટ જીપીટીના સહસ્થાપક સેમ ઓલ્ટમેનને થોડા દિવસો પહેલાં ચેટ જીપીટીમાંથી કાઢી મૂકાયા બાદ તેમના ભવિષ્ય વિશે ચર્ચાઓ ચાલી રહી હતી, જેને માઇક્રોસોફ્ટના સીઇઓએ સત્ય નાડેલાએ X પર પોસ્ટ કરીને વિરામ આપ્યો છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ લખ્યું હતું કે “‘અમે આ સમાચાર શેર કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ કે સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન, એક નવા ઉચ્ચ તકનીકી AI સંશોધનની રચના કરશે.’’બાદમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ચેટ જીપીટીના સહસ્થાપક સેમ ઓલ્ટમેન તેમના સાથીદારો સાથે માઇક્રોસોફ્ટમાં જોડાઇ રહ્યા છે.

૧૭ નવેમ્બરના રોજ ઓપન-એઆઈના બોર્ડ સભ્યોએ તેના સહસ્થાપક સેમ ઓલ્ટમેનને બરતરફ કર્યા હતા. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું તેમને સેમ ઓલ્ટમેનની કંપનીને આગળ લઈ જવાની ક્ષમતામાં વિશ્વાસ નહોતો. ટેક્નિકલ જગતમાં આ અંગે અનેક અફવાઓ ઊડી રહી છે, પરંતુ તેમાં કેટલું સત્ય છે તે કોઈ જાણતું નથી. ટેક કંપનીઓમાં ખતરનાક વર્ક કલ્ચર હોવું અને તેના કારણે કંપનીના બોસની નોકરી ગુમાવવી એ નવી વાત નથી. આ વર્ષે ઑક્ટોબરમાં કંપનીનું મૂલ્ય આશરે ૮૦ અબજ ડૉલર આંકવામાં આવ્યું હતું, તેથી તે સ્પષ્ટ થાય છે કે કંપની પૈસાને લઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહી નથી. સેમ ઓલ્ટમેનને બોર્ડમાંથી દૂર કર્યાના થોડા સમય પછી, કંપનીના અન્ય સહ-સ્થાપક ગ્રેગ બ્રોકમેનને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સેમ ઓલ્ટમેન, જેઓ હવે ઓપનએઆઈના ભૂતપૂર્વ સીઈઓ બની ગયા છે. તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી શક્તિશાળી ટેક્નોલોજી સાથે સંકળાયેલાં જોખમો અને ફાયદાઓ વિશે વિશ્વના ઘણા મોટા નેતાઓ સાથે ચર્ચા કરી હતી. તેમના વિશે જે યાદગાર વાત રહે છે તે એ છે કે તેમણે કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક સાધન છે, જીવંત પ્રાણી નથી. આ ટેક્નોલોજીથી સંબંધિત ડર અંગે તેમણે પ્રામાણિકપણે કહ્યું હતું કે એક દિવસ આ ટેક્નોલોજી માણસોના હાથમાંથી નીકળી જશે.

સેમ ઓલ્ટમેનનો જન્મ શિકાગોમાં ૧૯૮૫માં થયો હતો પરંતુ તેમનાં પ્રારંભિક વર્ષો સેન્ટ લુઇસ, મિઝોરીમાં વિત્યાં હતાં, જ્યાં તેમણે પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થા જ્હોન બરોઝ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેમના વર્ગમાં ટોચના વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું હતું. તેઓ અમેરિકાના મધ્યમ વર્ગના યહૂદી કુટુંબ તરીકે ઓળખાતા ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા તરીકે ઉછર્યા હતા. જ્યારે ઓલ્ટમેન ૮ વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતા તેમનું પ્રથમ કોમ્પ્યુટર મેકિન્ટોશ એલસી II ઘરે લાવ્યા હતા.

ન્યૂયોર્ક મેગેઝિન સાથેની એક મુલાકાતમાં સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે કેવી રીતે આ મહત્ત્વપૂર્ણ ઘટનાએ કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગ પ્રત્યેના તેમના જુસ્સાને ઉત્તેજિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘“મેકિન્ટોશ એલસી II મારા જીવનની એક વિભાજન રેખા હતી: મારી પાસે કમ્પ્યુટર હતું તે પહેલાંનું જીવન અને તે પછીનું જીવન.’’ સેમ ઓલ્ટમેને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં મુખ્ય અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેમણે અને તેમના બે સહપાઠીઓએ લૂપ્ટ પર કામ કરવા માટે પૂર્ણ સમય કામ કરવાનું છોડી દીધું હતું. તેમના સ્ટાર્ટ અપે Y કોમ્બીનેટરના ઉદ્ઘાટન બેચમાં પ્રવેશ કર્યો હતો. તે એક એવી કંપની હતી કે જે સ્ટાર્ટ અપ્સને વૃદ્ધિ કરવામાં મદદ કરતી હતી.

શરૂઆતથી જ ઓલ્ટમેન નેટવર્કિંગ અને તેના સ્ટાર્ટ અપ્સ માટે નાણાં એકત્ર કરવામાં કુશળ હતા. હકીકતમાં લૂપ્ટનું મૂલ્યાંકન આશ્ચર્યજનક રીતે ૧૭૫ મિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું. તેમ છતાં એને વધુ યશ મળ્યો ન હતો અને સ્થાપકોએ તેને ૨૦૧૨માં ૪૩ મિલિયન ડોલરમાં વેચી દીધી હતી. લૂપ્ટ પછી ઓલ્ટમેને હાઇડ્રેજિન કેપિટલ નામના સાહસ ફંડની સ્થાપના કરી હતી અને તેના માટે તેમણે તેમના ભાઈ જેક ઓલ્ટમેન સાથે જોડાણ કર્યું. સાથે મળીને તેઓએ ૨૧ મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. કંપનીએ જીવન વિજ્ઞાન, ઈ-માર્કેટપ્લેસ, બિગ ડેટા, હેલ્થકેર, કન્ઝ્યુમર નેટવર્ક, એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર અને હાર્ડવેર સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ત્યાર પછી ઓલ્ટમેન ૨૦૧૧માં સ્ટાર્ટઅપ એક્સિલરેટર Y કોમ્બીનેટર સાથે પાર્ટ ટાઇમ પાર્ટનર તરીકે જોડાયા હતા. પાછળથી ૨૦૧૪ માં ઓલ્ટમેનને વાય કોમ્બીનેટરના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓલ્ટમેનના નેતૃત્વ હેઠળ આ કંપની સતત વિકાસ પામતી રહી હતી અને ટેક ઉદ્યોગમાં ગણનાપાત્ર બળ બની ગઈ હતી. ૨૦૧૬ સુધીમાં ઓલ્ટમેન સિલિકોન વેલીના પ્રતિષ્ઠિત સ્ટાર્ટ અપ ક્યુરેટર વાય કોમ્બીનેટરના પ્રમુખ બની ગયા હતા પરંતુ તેમણે ૨૦૧૯માં તે પદ પરથી રાજીનામું આપ્યું હતું.

સેમ ઓલ્ટમેને જ્યારે ૨૦૧૫માં ટેક ઉદ્યોગ સાહસિકો અને સંશોધકોના જૂથ સાથે ઓપનએઆઈની સહ-સ્થાપના કરી હતી ત્યારે તેમની કારકિર્દી ઉચ્ચ બિંદુએ પહોંચી હતી. તેમાં એલોન મસ્ક, ગ્રેગ બ્રોકમેન, પામેલા વગાટા, ઇલ્યા સુતસ્કેવર અને વોજસિચ ઝરેમ્બાનો સમાવેશ થતો હતો. ઓપનએઆઈની સફર ત્યારે શરૂ થઈ જ્યારે સેમ ઓલ્ટમેનને સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કનો ઈમેલ મળ્યો હતો.

એલોન મસ્ક સુરક્ષિત અને ફાયદાકારક AI ના વિકાસને પ્રાથમિકતા આપતી સંશોધન સંસ્થાની સ્થાપના કરવા માંગતા હતા. ત્યાર બાદ ઓપનએઆઈની સ્થાપના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માં એક અગ્રણી સંશોધન સંસ્થા તરીકે કરવામાં આવી હતી. સેમ ઓલ્ટમેને મે, ૨૦૧૯ માં ઓપનએઆઈના સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પછી તેને ચેરિટેબલ સંસ્થામાંથી કેપ્ડ-પ્રોફિટ કોર્પોરેશનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ટેક ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી સફળતા ત્યારે મળી જ્યારે OpenAI એ નવેમ્બર ૨૦૨૨માં ChatGPT લોન્ચ કર્યું.

ChatGPT એ AI ચેટબોટ છે, જે તમે જે કંઈ પણ પૂછો છો તેના માટે માનવીય અવાજમાં જવાબો લખી શકે છે. તે ઈમેઈલનો ડ્રાફ્ટ બનાવવાથી લઈને ક્વોન્ટમ ફિઝિક્સ કેવી રીતે કામ કરે છે જેવી બાબતો સમજાવવા સુધી કામ કરી શકે છે. તેના પ્રકાશન પછી ChatGPT એક વાયરલ સનસનાટી બની ગયું અને તેણે ટેક્નોલોજીમાં જનરેટિવ AI ના યુગની શરૂઆત કરી હતી. OpenAI એ ChatGPT અને DallE સાથે વિશ્વને હચમચાવી નાખ્યું હતું. સેમ ઓલ્ટમેનના નેતૃત્વ હેઠળ ઓપનએઆઈ ટેક ઉદ્યોગમાં એક અગ્રણી સત્તા તરીકે ઉભરી આવી હતી, જે કદાચ કૃત્રિમ બુદ્ધિમાં વિશ્વની અગ્રણી કંપની છે. જો કે, નવેમ્બર ૧૭ ના રોજ જ્યારે ઓલ્ટમેનને OpenAI ના સીઈઓ તરીકે બરતરફ કરવામાં આવ્યા ત્યારે તેમની કારકિર્દીમાં અણધાર્યો વળાંક આવ્યો હતો.

સેમને બિનઆયોજિત બોર્ડ કૉલ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં તેમને તેના અચાનક હાંકી કાઢવાની જાણ કરવામાં આવી હતી. પાછળથી અટકળો ચાલુ થઈ હતી કે માઇક્રોસોફ્ટ અને બોર્ડ દ્વારા સેમ ઓલ્ટમેનને સીઇઓ તરીકે પાછા ફરવા માટે મનાવવાના પ્રયાસો ચાલુ થયા છે. જો કે, બોર્ડે આખરે Twitch ના ભૂતપૂર્વ સીઈઓ એમ્મેટ શીયરને OpenAI ના નવા સીઈઓ તરીકે પસંદ કર્યા હતા, જેણે સેમ ઓલ્ટમેન માટે સહ-સ્થાપિત કંપનીમાં પાછા ફરવાના દરવાજા બંધ કર્યા હતા. આ જાહેરાત થયાના થોડા કલાકો પછી માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાડેલાએ ખુલાસો કર્યો કે સેમ ઓલ્ટમેન કંપનીની નવી AI સંશોધન ટીમમાં જોડાશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top