Editorial

સરકાર કોઇની પણ બને નેતા અને પક્ષ આગામી પાંચ વર્ષમાં વધુ ધનાઢ્ય બનશે અને પ્રજા વધુ ગરીબ એ સનાતન સત્ય છે

આજે દેશના પાંચ રાજ્યોના પરિણામ છે અને તેના પર સમગ્ર દેશની નજર એટલા માટે છે કેમ કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી આ પાંચ પૈકી ચાર રાજ્યો મહત્ત્વનાં છે. આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં વિધાનસભાઓની આ છેલ્લી ચૂંટણી હોવાથી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણીની ફાઈનલ પહેલાંની સેમીફાઈનલ પણ ગણાવાઈ રહી છે. જો કે, સરકાર કોઇની પણ બને નેતાઓ અને પક્ષ જે છે તેના કરતાં વધુ ધનાઢ્ય થઇ રહ્યાં છે અને પ્રજા ગરીબ કે મધ્યમ વર્ગની છે તેનાથી વધુ નીચેના સ્તરે જઇ રહી છે તે વાત સનાતન સત્ય છે.

ચાર રાજ્યોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે જ્યારે તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને કૉંગ્રેસ વચ્ચે લડાઈ છે. પાંચમા રાજ્ય મિઝોરમમાં પ્રાદેશિક પક્ષો વચ્ચે મુકાબલો છે ને તેના પર કોઈની નજર નથી પણ બાકીનાં ચાર રાજ્યો લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મહત્ત્વનાં છે કેમ કે આ પાંચમાંથી ચાર મધ્યમ કક્ષાનાં રાજ્ય છે અને લોકસભાની કુલ ૮૩ સીટો ધરાવે છે. મોટા ભાગના એક્ઝિટ પોલ છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકાર આવશે તેની આગાહી કરી રહ્યા છે. મોટી ટીવી ચેનલોના ૭ એક્ઝિટ પોલમાંથી તમામમાં કૉંગ્રેસની સરકાર બનવાની આગાહી છે. ભાજપ કૉંગ્રેસને જોરદાર ટક્કર આપશે તેવું લાગી રહ્યું છે પણ ભૂપેશ બઘેલના વિજયરથને નહીં રોકી શકે એવું એક્ઝિટ પોલ્સ કહે છે.

મધ્ય પ્રદેશમાં એક્ઝિટ પોલ વહેંચાયેલા છે અને કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની સરકારની આગાહી કરાઈ રહી છે જ્યારે કેટલાક પોલ ભાજપ ૨૩૦ બેઠકોની વિધાનસભામાં ૧૫૦ કરતાં વધારે બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી જશે એવી આગાહી કરી રહ્યા છે. ઈન્ડિયા ટુડે અને ઈન્ડિયા ટીવી બંને ભાજપને ૧૫૦ પ્લસ બેઠકો આપી રહ્યાં છે ને શિવરાજસિંહ ચૌહાણના જયજયકારની આગાહી કરી રહ્યાં છે.

જો કે રસપ્રદ વાત એ છે કે, એબીપી-સી વોટરના સર્વેમાં કૉંગ્રેસને બહુમતીની આગાહી કરાઈ છે. એબીપીનો સર્વો કૉંગ્રેસને ૧૧૩થી ૧૩૭ બેઠકો આપે છે. એ જ રીતે દૈનિક ભાસ્કરે પણ ૧૦૫થી ૧૨૦ બેઠકો સાથે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસને બહુમતીની આગાહી કરી છે. મધ્ય પ્રદેશમાં દૈનિક ભાસ્કર જૂથ સૌથી મોટું મીડિયા ગ્રૂપ છે ને એ બીજા કરતાં અલગ આગાહી કરી રહ્યું છે તેથી એક્ઝિટ પોલ રસપ્રદ બની ગયા છે. રાજસ્થાનમાં મધ્ય પ્રદેશથી બિલકુલ ઉલટી સ્થિતિ છે. રાજસ્થાનમાં એબીપી-સી વોટરના સર્વેમાં ભાજપને બહુમતીની આગાહી કરાઈ છે.

જો કે સૌથી રસપ્રદ એક્ઝિટ પોલ તેલંગણા અંગેના છે. તેલંગાણામાં છેલ્લી બે ટર્મથી જીતતા કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ને કૉંગ્રેસ પછાડી દેશે એવું મોટા ભાગના એક્ઝિટ પોલ કહે છે. તેલંગાણાને લગતા જેટલા પણ એક્ઝિટ પોલ આવ્યા તેમાં બહુમતીમાં કૉંગ્રેસની જીતની આગાહી છે જ્યારે કેટલાકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે પણ કોઈ પોલ એવું કહેતો નથી કે, કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) જીતની હેટ્રિક કરીને ફરી સરકાર રચશે.

તેલંગણામાં ખરેખર એવાં પરિણામ આવશે કે નહીં એ ખબર નથી પણ એવાં પરિણામ આવે તો કૉંગ્રેસને જલસો થઈ જાય. કૉંગ્રેસે છ મહિના પહેલાં કર્ણાટકમાં સત્તા કબજે કરી છે અને હવે તેલંગણામાં પણ કૉંગ્રેસ જીતે તો બહુ મોટી વાત કહેવાય. દેશમાં બે મોટા રાષ્ટ્રીય પક્ષ છે ભાજપ અને કોંગ્રેસ જેના પરિણામ ઉપર સૌની નજર રહે છે. જ્યારે આમ આદમી પાર્ટી ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે તે પંજાબ અને દિલ્હી બે રાજ્યમાં સરકાર ધરાવે છે. તો પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો નેશનલ કોન્ફોરન્સ, પીડીપી, શિરોમણી અકાલીદળ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, શિવસેના, એનસીપી, ડીએમકે, એઆઇએડીએમકે અને બીજુ જનતા દળમાં પણ કદાવર કહી શકાય તેવા નેતા છે. જો કે, આટલા પક્ષો અને આટલા કદાવર નેતા હોવા છતાં દેશનો ગરીબ માણસ વધુ ગરીબ બનતો જાય છે.

મધ્યમવર્ગનો માણસ ગરીબ બનતો જાય છે અને ઉચ્ચ મધ્યમ વર્ગનો માણસ મધ્યમ વર્ગનો બનતો જાય છે. તો બીજી તરફ નેતા અને પક્ષ દિનપ્રતિદિન ધનાઢ્ય થતાં જાય છે આ જ ભારતનું સનાતન સત્ય છે. આજની ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં સરકાર કોઇની પણ બને પરંતુ તેમણે પ્રજા માટે કામ કરવું જોઇએ. અત્યાર સુધી દેશમાં અનેક સરકાર આવી ચૂકી છે પરંતુ પ્રજાની હાલતમાં કોઇ જ સુધારો થયો નથી. ખરેખર તો ભાજપ, કોંગ્રેસ કે બીઆરએસમાં વિજય કોનો થાય તેનાથી પ્રજાને કોઇ ફેર પડતો નથી. પ્રજાને રોજગારી મળી રહે. તેમના બાળકોને સારૂ એજ્યુકેશન અને તમામ લોકોને સારી તબીબી સારવાર મળે તેવી સરકાર આપે તો જ પ્રજા અને દેશનું ભલું થાય તેમ છે બાકી બધુ જ મિથ્યા છે.

નવી પેઢીને હજી નેતાઓના વાયદાનો અનુભવ થયો નથી પરંતુ બીજી પેઢી તો વર્ષોથી નેતાઓના નોકરી અને મોંઘવારી દૂર કરવાના વચનો સાંભળી સાંભળીને થાકી ગઇ છે. પક્ષો અને નેતાઓ તેમને લાંબા સમયથી વચનના નામે ઉલ્લુ બનાવી રહ્યાં છે પરંતુ તેમની હાલતમાં કોઇ જ સુધારો થયો નથી એટલે જે નેતા કે પક્ષ પ્રજાના ઉત્થાન માટે કામ કરે અને પ્રજાને સમૃદ્ધ બનાવે તેની જ સરકાર બનવી જોઇએ. પક્ષ કે નેતાનું નામ ભલે અલગ અલગ હોય પરંતુ તેમના ડીઅએનએ તો એક સરખાં જ છે અને તે વાત એ છે કે, ગરીબોનું શોષણ કરો અને ઉદ્યોગપતિઓનું ઉત્થાન.

Most Popular

To Top