Dakshin Gujarat

શા માટે મળી હતી અંકલેશ્વરમાં પિતા-પુત્રને મારી નાંખવાની ધમકી

અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) પીરામણ (Piraman) ગામના ગરનાળા પાસે સમાધાન માટે આવેલા ત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે માથાકૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ (Police) ફરિયાદ (complaint) નોંધાઈ હતી.અંકલેશ્વરના સુરતી ભાગોળ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા મનીશ રશેશ મોદી ગતરોજ રાતે પીરામણ ગામના શ્યામનગર તરફ ફરવા ગયા હતા. એ વેળા સુરતી ભાગોળ ખાતે રહેતો અનિલ પરમાર મનીષ મોદીએ ફેરવવા આપેલી તેમની કાર લઈ તેના મિત્ર તુષાર જાટ તેમજ સિદ્ધાર્થ સાથે જતો હતો. જેમને અટકાવી કાર માંગતાં તેઓએ બોલાચાલી કરી ભાગી ગયા હતા. જેઓને રાતે ૧૧ વાગ્યાના અરસામાં પીરામણ ગામના ગરનાળા પાસેના ગાર્ડન ખાતે બોલાવતાં તેઓ ત્રણેય આવ્યા હતા અને સમાધાનની વાત ચાલતી હતી. દરમિયાન ત્રણેય ઈસમે માથાકૂટ કરી હતી અને અનિલ પરમાર મનીષ રશેશ મોદીને પથ્થર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. મારામારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હપ્તો નહીં આપતા ઉશ્કેરાયેલા શખ્સે કુંતાના સ્ટોરના સંચાલકને માર માર્યો
વાપી : વાપી તાલુકાના કુંતા ગામમાં વડોલી ફળિયા સ્થિત જય જલારામ કિરાણા સ્ટોર ચલાવતા રામલાલ ભાણારામ ચૌધરીને આંતરીને તેના કિરાણા સ્ટોર પાસે જ વિજય ઈશ્વરભાઈ પટેલે ઢીકમુક્કીનો માર મારી મારી નાંખવાની ધમકી આપી હતી. માર મારવા માટેનું કારણ એવું દર્શાવવામાં આવે છે કે વિજય પટેલે કિરાણા સ્ટોરના સંચાલક રામલાલ ચૌધરી પાસે હપ્તો માગ્યો હતો. હપ્તો નહીં આપતા ઉશ્કેરાઈ જઈને માર માર્યો હતો. વાપી ટાઉન પોલીસે રામલાલની ફરિયાદને આધારે કુન્તાના રહેવાસી વિજય પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉશ્કેરાઈને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો
વાપી ટાઉનમાંથી દુકાનનો સામાન ભરીને ઇકો કારમાં રામલાલ કુન્તા તેની દુકાને જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં દમણમાં વિજય ઇશ્વરભાઈ પટેલે તેની કારને રોકી હતી. વિજય પટેલની કાર રોકાવીને કહ્યું હતું કે તું હપ્તાના પૈસા ક્યારે આપવાનો છે. તો સામે રામલાલે કહયું હતું કે મારી પાસે પૈસા નથી. હમણાં મારો ધંધો બરાબર ચાલતો નથી. આવું બોલતા જ વિજય પટેલ ઉશ્કેરાઈ જઈને ગાળો આપીને ઝઘડો કરવા લાગ્યો હતો. રામલાલ તેની કારમાં કુન્તા ગામમાં તેની દુકાને નીકળી ગયો હતો. ત્યારે વિજય પટેલ પણ પાછળ પાછળ તેની દુકાને પહોંચી ગયો હતો. કારમાંથી ઉતરતા જ રામલાલ સાથે ફરી વિજય પટેલ ઝઘડો કરવા લાગ્યો હતો. તેમજ ઉશ્કેરાઈને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો હતો. આ બનાવ બાદ રામલાલ ચૌધરીની ફરિયાદને આધારે વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top